22 May, 2026 12:55 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્ય પ્રદેશના ભોપાલ ઍરપોર્ટ પર એક એન્જિનિયરને ડ્રગ્સ સાથે ટ્રાવેલ કરવાના આરોપમાં પકડી લેવામાં આવ્યો હતો અને એ પછી તેને ૫૭ દિવસ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો. વાત એમ હતી કે અજય સિંહ નામનો આ યુવક દિલ્હીની ફ્લાઇટ લેવા માટે ભોપાલ ઍરપોર્ટ પહોંચ્યો હતો. રૂટીન ચેકિંગ દરમ્યાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફૉર્સ (CISF)ના અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી. કારણ આપ્યું કે તેના સામાનમાં હેરોઇન અને અન્ય ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સનો આરોપ હતો એટલે તેને જેલમાંથી તરત જામીન પણ મળ્યા નહીં. જોકે જ્યારે અજય સિંહના સામાનમાંથી મળી આવેલા પાઉડરની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ ડ્રગ્સ નહીં પણ આમચૂર અને ગરમ મસાલો હતો. પહેલાં ભોપાલની લૅબ, પછી હૈદરાબાદની સેન્ટ્રલ ફૉરેન્સિક લેબ એમ ડબલ ચેક કર્યા પછી પણ એ જ ખાતરી થઈ કે આ ગરમ મસાલો અને આમચૂર જ છે, પરંતુ મશીને એને ડ્રગ્સ સમજી લીધું હતું. હવે મધ્ય પ્રદેશની હાઈ કોર્ટે કોઈ દોષ વિના એન્જિનિયરને જેલમાં રહેવું પડ્યું એ બદલ ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.