19 December, 2022 11:54 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કારીગરોના એક ગ્રુપે ભંગારમાંથી ‘રુદ્ર વીણા’ બનાવી છે
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કારીગરોના એક ગ્રુપે ભંગારમાંથી ‘રુદ્ર વીણા’ બનાવી છે. આ રુદ્ર વીણાનું વજન લગભગ પાંચ ટન જેટલું છે. ૨૮ ફુટ લાંબી અને ૧૦ ફુટ પહોળી તથા ૧૨ ફુટ ઊંચી આ વીણા બનાવવામાં કારીગરોને લગભગ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. અત્યાર સુધીની વિશ્વની આ સૌથી મોટી વીણા છે, જેને તૈયાર કરવામાં ૬ મહિના લાગ્યા હતા.
‘કબાડ સે કંચન’ની થીમ પર તૈયાર કરવામાં આવેલી આ વીણા માટે વાહનના તાર, સાંકળ, ગિયર્સ અને બોલબેરિંગ્સ જેવા ભાગ ત્યજી દેવાયેલાં વાહનમાંથી એકઠા કરવામાં આવ્યા હતા. વીણા બનાવનાર કારીગરોમાંના એક પવન દેશપાંડેએ કહ્યું હતું કે મહત્ત્વની વાત એ છે કે ૧૫ કારીગરોના અમારા જૂથે વીણાની ડિઝાઇન તૈયાર કરવાથી માંડીને સ્ક્રૅપ એકઠું કરવા અને વીણા બનાવવા સુધીનાં તમામ કામ ભેગા મળીને કર્યાં છે.
ભાવિ પેઢી ભારતીય સંસ્કૃતિ અને એના વારસા વિશે વધુ જાણે એ હેતુથી આ થીમ પર કામ કરીને તેમણે આ વીણા તૈયાર કરી હતી. આ રુદ્ર વીણાને ભોપાલ શહેરમાં અટલ પથ પર એક એવા સ્થળે સ્થાપિત કરવામાં આવી છે જ્યાં લોકો એની સાથે સેલ્ફી લઈ શકે.