05 April, 2025 02:25 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
CEO હર્ષ પોખરના
આજકાલ IT કંપનીઓમાંથી સેંકડોની સંખ્યામાં એકસાથે કર્મચારીઓની છટણી કરવામાં આવે છે. એ પણ જસ્ટ એક ઈ-મેઇલ મોકલીને કહી દેવામાં આવે છે કે તમારો કાર્યકાળ પૂરો થયો છે. આવા વાતાવરણમાં બૅન્ગલોરની એક કંપનીના CEO હર્ષ પોખરનાએ કર્મચારીઓને છૂટા કરતી વખતે જે કાર્યવાહી કરી છે એ ચોમેર સરાહના પામી રહી છે. પ્રોફેશનલ વિશ્વમાં આ અનુકરણીય ઉદાહરણ બની શકે છે. હર્ષ પોખરનાની ઓકે ક્રેડિટ નામની કંપનીએ પોતાની કંપનીમાંથી ૭૦ કર્મચારીઓને છૂટા કર્યા. હર્ષે પોતાના લિન્ક્ડ ઇન અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેમણે કેમ કર્મચારીઓને છૂટા કરવા પડ્યા એની વાત લોકો સાથે શૅર કરી છે. ‘૧૮ મહિના પહેલાં કંપની ખોટમાં જઈ રહી હોવાથી અને કૉસ્ટ-કટિંગ જરૂરી હોવાથી કંપનીએ ૭૦ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો હતો. જેમને છૂટા કરવામાં આવ્યા એ તમામ લોકોને મીટિંગમાં બોલાવવામાં આવ્યા. તેમને કેમ છૂટા કરવામાં આવે છે એનું કારણ કહ્યું. અમે બહુ ઉતાવળમાં વધુપડતા લોકોની ભરતી કરી લીધી હોય એવું અમને લાગતું હતું. અમે આ ભૂલ કરી છે અને એ અમે સ્વીકારીએ છીએ. અમે દરેક કમર્ચારીને ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ આપ્યો હતો. આ સમય દરમ્યાન તેઓ તેમની કાબેલિયત મુજબની નવી નોકરી શોધી શકે એ માટે અમે તેમને પૂરી મદદ કરી. કંપની તરફથી તેમની ક્રેડિબિલિટીની નોટ શૅર કરવામાં આવી. ૭૦માંથી ૬૮ લોકોને બીજી નોકરી મળી ગઈ. જે બે જણને નહોતી મળી તેમને નોટિસ પિરિયડ પૂરી થયા પછી વધારાના બે મહિનાનો પગાર આપીને તેમને બીજી નોકરી શોધવાનો પૂરતો સમય મળે એવું કરવામાં આવ્યું.’
સોશ્યલ મીડિયા પર CEO હર્ષ પોખરનાની આ પોસ્ટને પ્રોફેશનલ વર્લ્ડમાં ખૂબ સરાહવામાં આવી છે. એ વખાણ કરવામાં મોટા-મોટા બિઝનેસમેનો પણ સામેલ છે. એક લખ્યું હતું, ‘CEO હોય તો આવો.’ જ્યારે બીજાએ લખેલું, ‘પ્રાઇવેટ જૉબમાં આવું વાતાવરણ હોય તો વ્યક્તિ કોઈ ટેન્શન વિના દિલ લગાવીને કામ કરી શકે.’