26 August, 2024 10:23 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઉજવણીની ક્ષણો
દેશનાં વિવિધ રાજ્યોમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સાહ અત્યારે ચરમસીમાએ છે. ક્યાંક ખાસ પૂજા-અર્ચના થાય છે તો ક્યાંક નૃત્યનાટિકાઓ. જન્માષ્ટમી પહેલાં ઇન્દોરમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દરેક મહિલા યશોદા બનીને અને બાળક કાનુડાનો વેશ ધારણ કરીને હાજર રહ્યાં હતાં. મુખ્ય પ્રધાન મોહન યાદવે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ‘હર બાલક ક્રિષ્ના, હર મા યશોદા’ પ્રોગ્રામમાં હજારોની સંખ્યામાં ઇન્દોરમાં કૃષ્ણ-યશોદાની જોડીઓ એક ઇવેન્ટમાં ભેગી થઈ હતી.
આગરાની યમુના નદીના કાંઠે શ્રી રામ જાનકી મંદિરમાં જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ એક અનોખી નૃત્યનાટિકાનું આયોજન થયું હતું જેમાં યમુના નદીના પાણીમાં ટોપલીમાં કૃષ્ણને લઈને ચાલતા વાસુદેવ પણ જોવા મળ્યા હતા. બીજા એક દૃશ્યમાં કાનુડો દડો લેવા માટે યમુના નદીમાં ડૂબકી લગાવે છે અને કાલિનાગને નાથે છે એ ઘટનાનું નિરૂપણ કરતી નૃત્યનાટિકા ભજવાઈ હતી.
ન્યુ દિલ્હીના શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (બિરલા મંદિર)માં જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ રાધા-કૃષ્ણ નગરભ્રમણ કરવા નીકળ્યાં હતાં. રથની સુંદર સજાવટ સાથે રાધા-કૃષ્ણના વેશમાં કૃષ્ણભક્ત કલાકારોએ નૃત્યનાટિકા રજૂ કરી હતી.