26 August, 2026 04:51 PM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
ટૅક્સી છે કે આખું સુપરમાર્કેટ?
બૅન્ગકૉકના રસ્તાઓ પર ટૅક્સી ચલાવનારા એક ડ્રાઇવરે પોતાના વાહનને એવી ચીજોથી ભરી દીધું છે કે એમાં બેસનાર કોઈ પણ વ્યક્તિ અચંબિત થઈ જાય છે. સામાન્ય રીતે પ્રવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટૅક્સીમાં બેસતા હોય છે. જોકે આ સમય દરમ્યાન તેમને શૉપિંગ પણ કરવા મળી જાય તો? બૅન્ગકૉકનો એક ડ્રાઇવર આ ટૂ-ઇન-વન અનુભવ આપે છે. તેણે ટૅક્સીમાં જ જીવનજરૂરિયાતની રોજબરોજની ચીજો ડિસ્પ્લેમાં રાખવાનું શરૂ કરી દીધું છે જે એક હરતી-ફરતી દુકાન જેવી થઈ ગઈ છે. જોકે અહીં અલગ વાત એ છે કે આ ચીજો પૈસાથી ખરીદવા માટે નથી. જેને જરૂર હોય તે ફ્રીમાં એ ચીજ લઈ જઈ શકે છે. વિડિયોમાં એક કન્ટેન્ટ ક્રીએટર ડ્રાઇવર સાથે વાત કરતો જોવા મળે છે. તે ડ્રાઇવરને પૂછે છે કે શું ખરેખર આ ચીજો તે મફતમાં લઈ જઈ શકે છે? ત્યારે ડ્રાઇવર તેને હામાં જવાબ આપે છે. એમાં ટૂથબ્રશ, મોજાં, બેબી પાઉડર, અરીસો, ક્રીમ જેવી રોજબરોજની ચીજો છે. અહીં સ્નૅક્સ અને પાળતુ કૅટ અને ડૉગ માટેનું ફૂડ પણ રાખેલું હોય છે. ડ્રાઇવર મુસાફરોને પાણી અને કૉફી પણ ઑફર કરે છે.