બે ગર્ભાશય ધરાવતી મહિલાએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો, એક કુદરતી અને બીજો આઇવીએફ દ્વારા

18 May, 2023 01:38 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

૨૪ વર્ષની મેડલિન કાક્લિકોસ અને ૨૭ વર્ષના તેના પતિ જૉનના ઘરે ફેબ્રુઆરીમાં જોડિયાં બાળકો કોલે અને નેટ જન્મ્યાં હતાં

મેડલિન કાક્લિકોસ

સંતાન ન હોવું એ એક દંપતી માટે કેવી દુખદ સ્થિ​તિ હોય છે, પરંતુ અચાનક જોડિયાં બાળકો થશે એવા સમાચાર મળે તો આનંદ પણ બેવડાઈ જાય. આવું જ કંઈ ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેતા દંપતી સાથે થયું. ૨૪ વર્ષની મેડલિન કાક્લિકોસ અને ૨૭ વર્ષના તેના પતિ જૉનના ઘરે ફેબ્રુઆરીમાં જોડિયાં બાળકો કોલે અને નેટ જન્મ્યાં હતાં. મેડલિન કાક્લિકોસના પેટમાં બે ગર્ભાશય હતાં. તેના એક ગર્ભાશયમાં આઇવીએફ દ્વારા ફલિત થયેલું બાળક અને બીજા ગર્ભાશયમાં કુદરતી રીતે જ બાળક રહ્યું હતું. તબીબોએ જણાવ્યા પ્રમાણે પાંચ કરોડમાં આવો એક કિસ્સો થાય છે, કારણ કે બન્નેમાં અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. વળી દરેકનો વિકાસ અલગ-અલગ ગર્ભાશયમાં થયો હતો. મેડલિન કાક્લિકોસ અને તેના પતિએ ૨૦૨૦થી બાળક માટે પ્રયાસ કરતા હતા. આઇવીએફના પણ ૧૦ રાઉન્ડ થઈ ગયા હતા. જોકે તેમને કલ્પના નહોતી કે આઇવીએફ દ્વારા ગર્ભવતી બનવાના પ્રયાસ દરમ્યાન કુદરતી રીતે પણ ગર્ભવતી થઈ જશે. મેડલિન કાક્લિકોસ ૧૭ વર્ષની હતી ત્યારે અલ્ટ્રાસાઉન્ડ દરમ્યાન બે ગર્ભાશય હોવાની જાણકારી મળી હતી. વળી ત્યારે જ તેને ખબર પડી ગઈ હતી કે ગર્ભ ધારણ કરવું મુશ્કેલ હશે. આઇવીએફ દ્વારા જ્યારે આઠમી વખત પ્રયત્ન કર્યો ત્યારે તેને એવું લાગવા માંડ્યું કે તે ક્યારેય માતા નહીં બની શકે. જોકે જૂનમાં ફોન આવ્યો કે આઇવીએફ સફળ થયું છે. તેઓ ખુશ થઈ ગયાં હતાં. વળી સ્કૅન દરમ્યાન ખબર પડી કે મેડલિન કાક્લિકોસ કુદરતી રીતે પણ માતા બની રહી છે. ડૉક્ટરોએ કહ્યું કે એક ગર્ભાશયમાં એક બાળક અને બીજા ગર્ભાશયમાં બીજા બાળકની શક્યતા પાંચ કરોડમાં એક છે. મેડલિને ૨૦ ફેબ્રુઆરીએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. તેમને ૧૭ દિવસ સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં હતાં. અત્યારે બન્ને બાળકો ત્રણ મહિનાનાં છે અને સ્વસ્થ છે.

offbeat news international news australia melbourne