એન્જિન ચાલુ રાખી, બાઇકને ઘરમાં મૂકીને પરિવાર સૂઈ ગયો; ઝેરી વાયુથી પરિવારના ચારેય જણ ગૂંગળાઈ મર્યા

17 March, 2026 12:59 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

કાર્બન મૉનોક્સાઇડ કોઈ રંગ કે ગંધ વિનાનો હોય છે એટલે ઘેરી ઊંઘમાં સૂઈ રહેલા ચારેય જણને ખબર પણ ન પડી અને ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું. 

બાઇકનું એન્જિન ચાલુ રાખીને ઘરની બહાર મૂકવામાં આવે તો એ કોઈ લઈ જાય એવો ભય હોવાથી પરિવારજનોએ બાઇક ઘરમાં અંદર લઈ લીધી

આંધ્ર પ્રદેશના પુંગનુર શહેરમાં એક મેકૅનિકની અળવીતરી સલાહ અને પરિવારજનોની લાપરવાહીને કારણે આખા પરિવારનો જીવ ગયો હતો. પરિવારની બાઇક બગડી ગઈ હતી એટલે તેમણે એક મેકૅનિકને બોલાવ્યો. મેકૅનિકે એને રિપેર કર્યા પછી કહ્યું કે આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખજો જેથી એની અંદર નાખેલા નવા પાર્ટ્સ સેટ થઈ જાય. જોકે આવી ધડમાથા વિનાની સલાહને માનવાનું પરિવાર માટે જોખમી બની ગયું. બાઇકનું એન્જિન ચાલુ રાખીને ઘરની બહાર મૂકવામાં આવે તો એ કોઈ લઈ જાય એવો ભય હોવાથી પરિવારજનોએ બાઇક ઘરમાં અંદર લઈ લીધી અને પછી દરવાજા બંધ કરીને રાતે સૂઈ ગયા. બાઇકમાંથી નીકળતો ધુમાડો ઘરમાંથી નીકળવા માટેનું કોઈ વેન્ટિલેશન ખુલ્લું નહોતું. ઝેરી વાયુ રૂમમાં ભરાયો અને ગૂંગળામણથી જ પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. કાર્બન મૉનોક્સાઇડ કોઈ રંગ કે ગંધ વિનાનો હોય છે એટલે ઘેરી ઊંઘમાં સૂઈ રહેલા ચારેય જણને ખબર પણ ન પડી અને ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું. 

offbeat news andhra pradesh india national news