✕

આ છે ૨૦૨૪નો વિશ્વનો સૌથી કદરૂપો ડૉગી

23 June, 2024 09:45 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એક પગમાં મસલ્સની તકલીફ હોવાથી ચાલવામાં પણ અસંતુલિત છે. આટલી તકલીફો હોવા છતાં આ ડૉગીભાઈ હૅપી અને હસતો રહે છે.

વિશ્વનો સૌથી કદરૂપો ડૉગી

પોતાના બાળકની જેમ પાળેલા ડૉગીને હાથમાં રાખનારા માલિકોની સંખ્યા હવે નાનીસૂની નથી રહી. ડૉગીને ટ્રેઇન કરવા, સુંદર રીતે સજાવવા, તેને લાડ લડાવવા માટેના તો અનેક કાર્યક્રમ અને કૉમ્પિટિશન થતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ કૅલિફૉર્નિયામાં વિશ્વના સૌથી કદરૂપા શ્વાનની શોધ માટેની સ્પર્ધા પણ થાય છે. લોકો એમાં પણ હોંશે-હોંશે ભાગ લે છે.

તાજેતરમાં યોજાયેલી સ્પર્ધામાં ૮ વર્ષનો વાઇલ્ડ થૅન્ગ નામનો ડૉગી ટાઇટલ જીત્યો છે. લૉસ ઍન્જલસમાં જન્મેલો વાઇલ્ડ થૅન્ગ જ્યારે જસ્ટ ૧૦ જ વીકનો હતો ત્યારે તેને ચેપ લાગ્યો હતો. એને કારણે તેના વાળ અને ચામડી ખરાબ થઈ ગયાં હતાં. એ રોગને કારણે જે એના દાંત પણ બરાબર વિકસ્યા નહોતા. એને કારણે તેની જીભ થોડી બહાર લટકેલી રહે છે. એક પગમાં મસલ્સની તકલીફ હોવાથી ચાલવામાં પણ અસંતુલિત છે. આટલી તકલીફો હોવા છતાં આ ડૉગીભાઈ હૅપી અને હસતો રહે છે.

આ ટાઇટલ અપાવવા માટે તેની માલિકણે છેલ્લાં પાંચ વર્ષ સુધી મહેનત કરી છે. પાંચ વર્ષથી તે આ સ્પર્ધામાં ભાગ લેતો હતો, પણ આખરે આ વર્ષે એનું નસીબ ચમક્યું અને એને સૌથી કદરૂપા ડૉગનો ખિતાબ આખરે મળ્યો. છેલ્લાં ૫૦ વર્ષથી વિશ્વના કદરૂપા ડૉગીઝ માટેની સ્પર્ધા થાય છે અને એમાં શ્વાનોની કુરૂપતા પાછળના તેમના સંઘર્ષની ગાથાને વાચા આપવાનો પ્રયાસ રહ્યો છે.

offbeat news los angeles