હવે કોર્ટમાં રોબો કરશે આરોપીનો બચાવ

06 January, 2023 12:10 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ રોબોને ડુનોટપે નામની કંપની દ્વારા વિકસાવવામાં આવ્યો છે

હવે કોર્ટમાં રોબો કરશે આરોપીનો બચાવ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નવાં-નવાં સોપાન સર કરતું જ જાય છે. તાજેતરમાં એક કંપનીએ ઘોષણા કરી હતી કે એમનો રોબો કોર્ટની સુનાવણીમાં મહત્ત્વનો ભાગ ભજવશે. કાયદાની કોર્ટમાં આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રોબો સુનાવણી દરમ્યાન આરોપીનો બચાવ કરશે. ન્યુ સાયન્ટિસ્ટ નામક પ્રકાશનમાં જણાવ્યા પ્રમાણે આ રોબો જેના પર આરોપ મૂકવામાં આવ્યો છે એના ફોનમાં મૂકવામાં આવશે. એ કોર્ટની સુનાવણી સાંભળશે તેમ જ આરોપીને ઇયરપીસ દ્વારા સલાહ આપશે. આ રોબોને ડુનોટપે નામની કંપની દ્વારા વિકસાવવામાં આવ્યો છે, જે જાતને વિશ્વનો પહેલો રોબો વકીલ ગણાવે છે. આ કંપનીની સ્થાપના જોશુઆ બ્રાઉડર દ્વારા સ્થાપવામાં આવી છે, જેનું વર્ણન ચૅટબોટ તરીકે કરવામાં આવ્યું છે. આ રોબો લોકોને જટિલ વિષય સમજાવે છે. વળી એ ઘોષણા કરે છે કૉર્પોરેશન સામે લડો, અમલદારશાહીને હરાવો તેમ જ માત્ર એક બટન દબાવો અને કોઈ પણ સામે કેસ કરો. વેબસાઇટમાં માહિતી આપવામાં આવી છે કે આ આર્ટિફિશ્યલ રોબો કૉલેજમાં ફી માફી, કેદીઓ સાથે સંપર્ક, બિલ અને ભાડાં ભરવામાં મદદ, ડિવૉર્સ સર્ટિફિકેટ મેળવવા મામલે મદદ કરે છે. આ ઍપ એક સબસ્ક્રિપ્શન સર્વિસ છે જે લોકો પાસે વર્ષના ૩૬ ડૉલર, અંદાજે ૩૦૦૦ રૂપિયા લે છે. એઆઇની પહેલી વખત કસોટી ફેબ્રુઆરીમાં થશે જ્યારે એ પહેલી વખત કેસ લડશે. આ એક નવો પ્રયોગ છે.

offbeat news international news washington