દહેજમાં સોના-ચાંદી કે કૅશ ન મળ્યાં તો કિડની માગી લીધી

12 June, 2025 07:01 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં દીપ્તિ નામની એક મહિલાએ પોલીસ-સ્ટેશને પહોંચીને સાસરિયાં સામે જે ફરિયાદ લખાવી છે એ ચોંકાવનારી છે.

પ્રતીકાત્મક તસવીર

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં દીપ્તિ નામની એક મહિલાએ પોલીસ-સ્ટેશને પહોંચીને સાસરિયાં સામે જે ફરિયાદ લખાવી છે એ ચોંકાવનારી છે. તેણે સાસરિયાં પર આરોપ મૂક્યો હતો કે પહેલાં તો તેને સાસરેથી દહેજ લાવવાનું દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે ના પાડી તો સાસરિયાંએ પતિના ઇલાજ માટે પોતાની કિડની આપવાની ડિમાન્ડ કરી નાખી. દીપ્તિનું કહેવું છે કે જ્યારે તેણે કિડની આપવાની ના પાડી તો તેની સાથે મારપીટ કરીને તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. તેનાં લગ્ન ૨૦૨૧માં થયાં હતાં. લગ્નના થોડા દિવસ સુધી બધું બરાબર હતું, પરંતુ થોડા મહિના પછી સાસરિયાંનો વહેવાર બદલાવા લાગ્યો. તેમણે પિયરથી રોકડા અને બાઇક લાવવાનું દબાણ કર્યું. તેને રોજ ટોણા મારવામાં આવતા. લગ્નનાં બે વર્ષ પછી ખબર પડી કે લગ્ન પહેલાંથી જ તેના પતિની એક કિડની ખરાબ છે. જ્યારે દીપ્તિએ પિયરથી પૈસા લાવવાની ના પાડી તો તેમણે પતિને કિડની આપવા કહ્યું. જ્યારે તેણે કિડની આપવાની ના પાડી તો સાસરિયાંએ તેને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી.

offbeat news bihar national news india Crime News