22 October, 2023 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલાબી આકાશ
બ્રિટનના કેન્ટમાં આકાશમાં એક રહસ્યમય ઝળહળતો ગુલાબી રંગ પ્રગટ્યા પછી બ્રિટનના લોકોને ડર લાગ્યો હતો કે દુનિયાનો અંત નજીક છે. ગુરુવારે થેનેટ પર આકાશમાં ગુલાબી રંગ દર્શાવતી છબિ જાણે કોઈ સાઇ-ફાઇ ફિલ્મનું દૃશ્ય હોય એવું લાગતું હતું. આ ઘટના પાછળ શું હોઈ શકે એ વિશે મૂંઝવણમાં મુકાયેલા સ્થાનિક લોકો અનુમાન લગાવી રહ્યા હતા. સૂર્યોદય પહેલાંની આ છબિઓથી આકાશ અસામાન્ય દેખાઈ રહ્યું છે. યુકેના વેસ્ટગેટમાં એક કૅફેની બહાર લીધેલા એક ફોટોમાં આકાશ સંપૂર્ણપણે ગુલાબી રંગથી ભરેલું હતું. ઑનલાઇન તસવીરો શૅર કરતાં એક વ્યક્તિએ મજાકમાં કહ્યું, ‘વિચાર્યું કે દુનિયાનો અંત છે. હું ચાર ઘોડેસવારો (કયામતનું પ્રતીક)ને શોધી રહ્યો હતો. જોકે આ ડિસ્પ્લેનું કારણ હવે ઓળખાયું છે અને આ કોઈ મૂવીનું દૃશ્ય નહીં, પણ જવાબ વાસ્તવમાં વિજ્ઞાન પર આધારિત છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ટમેટાં ઉગાડતી કૃષિ કંપનીનો કૃત્રિમ પ્રકાશ છે. થેનેટ અર્થ એ બર્ચિંગ્ટનમાં એક મોટી ઔદ્યોગિક ફૅક્ટરી છે. કેન્ટલાઇવના અહેવાલમાં જણાવાયું છે કે એ દેશનું સૌથી મોટું ગ્રીનહાઉસ છે, જે ૯૦ એકર જમીનને આવરી લે છે. થેનેટ અર્થ વેબસાઇટ અનુસાર બ્રિટનનું અગ્રણી ગ્લાસહાઉસ પૂર્વ કેન્ટમાં છે. આ પ્રચંડ ગ્લાસહાઉસ દર વર્ષે આશરે ૪૦ કરોડ ટમેટાં, ૩ કરોડ કાકડી અને ૨.૪ કરોડ મરીનું ઉત્પાદન કરે એવો અંદાજ છે. જોકે બ્રિટિશ શિયાળો હજી પણ એક પડકાર છે, કારણ કે છોડને પ્રકાશની જરૂર છે એથી વર્ષના આ સમય દરમ્યાન કૃત્રિમ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પિન્ક એલઈડી લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. એના ભાગરૂપે આ ગુલાબી આકાશ જોવા મળ્યું હતું.