18 February, 2025 06:57 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
આશુ જૈન
BTech ભણેલાં દેહરાદૂનનાં આશુ જૈન બાવીસ વર્ષ સુધી પોતાની કરીઅર ભૂલીને ઘર-પરિવાર, પતિ અને ત્રણ બાળકોને જાળવનાર હાઉસવાઇફ બની રહ્યાં. જ્યારે મોટી દીકરીએ એન્જિનિયરિંગ માટે ફૉર્મ ભર્યું ત્યારે આશુ જૈનને ૪૫ વર્ષની ઉંમરે ફરી ભણવાની ઝંખના થઈ. તેમણે આગળ ભણવાનું શરૂ કરી MTechની ડિગ્રી મેળવી. પછી ૫૩ વર્ષની ઉંમરે IITમાંથી PhD પૂરું કર્યું. ભણવાની સાથે-સાથે તેમણે લોકોની ટીકાનો સામનો કર્યો, પણ હિંમત હાર્યા વિના આગળ વધ્યાં. આ સાથે હાઈ બ્લડપ્રેશર, કમર અને ખભામાં દુખાવો, મેનોપૉઝ, વધારે વજનનો સામનો કરવા માટે ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ડૉક્ટર અને ફિટનેસ-ટ્રેઇનરની સલાહ મુજબ વજન ઉપાડીને શરીરની તાકાત વધારતી સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ લેવાની શરૂઆત કરી અને સુપરફિટ બની ગયાં. ૧૦ કિલોમીટરની દોડ પણ જીત્યાં. ઇન્ફ્લુએન્સર તરીકે આશુ જૈનના ‘નૉટ જસ્ટ ગ્રૅન્ડમા’ ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર બે લાખથી વધારે ફૉલોઅર્સ છે. તેઓ ફિટનેસ-ટિપ્સ આપે છે અને મહિલાઓને ઉંમરની બાધા તોડી આગળ વધવાની પ્રેરણા આપે છે.
જેમાં યુવાનો જ ભાગ લે છે એવા MTV રોડીઝ ડબલ ક્રૉસ નામના શોમાં ૫૭ વર્ષની ઉંમરે તેઓ સિલેક્ટ થયાં છે. પોતાના કોચ લખવિંદર સિંહની સલાહથી તેણે રોડીઝમાં ઑડિશન આપવા ગયાં અને દિલ્હીના ઑડિશનમાં સફળ ન થયાં તો નાસીપાસ થયા વિના હૈદરાબાદ જઈ ફરી ઑડિશન આપ્યું. શોના હોસ્ટ રણવિજય સિંઘાએ તેમને ઓળખી લીધાં અને તેમનો ઉત્સાહ બિરદાવ્યો અને સિલેક્શન પણ થઈ ગયું. આશુ જૈને ૪૪-૪૫ વર્ષની ઉંમરે પોતાની શરતે જીવવાનું શરૂ કર્યું અને એક નહીં અનેક પડાવ પાર કરી સાબિત કર્યું કે દૃઢ નિશ્ચય હોય તો ઉંમર એક નંબર જ છે જે તમને અટકાવી શકતી નથી.