13 July, 2023 11:13 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના ૯ સભ્યોના પરિવારનો બર્થ-ડે એક જ દિવસે
પાકિસ્તાનના લરકાનામાં રહેતો માંગી પરિવાર અનોખો છે. પરિવારમાં મા-બાપ અને તેમનાં સાત સંતાનો છે જેમાં પપ્પા આમિર અલી, મમ્મી ખુદેજા અને સાત બાળકો જેમની ઉંમર ૧૯થી ૩૦ વર્ષ વચ્ચેની છે જેમાં સિંધુ, જોડિયાં બહેનો સાસુઈ અને સપના, આમિર, અંબર અને જોડિયા ભાઈઓ અમ્માર અને અહમર. આ તમામનો બર્થ-ડે એક જ દિવસે આવે છે. પરિવારનો તમામ સભ્યોનો જન્મદિવસ છે પહેલી ઑગસ્ટ. કોઈ એક જ પરિવારના તમામ સભ્યો એક જ દિવસે જન્મ્યા હોય એવો આ એક વર્લ્ડ રેકૉર્ડ છે. આમિર અલી અને ખુદેજા માટે આ દિવસ એટલા માટે પણ સ્પેશ્યલ છે, કારણ કે તેમનાં મૅરેજ પણ એ જ દિવસે થયાં હતાં. તેમણે ૧૯૯૧માં પહેલી ઑગસ્ટના લગ્ન કર્યાં હતાં. બરાબર એક વર્ષ બાદ મોટી દીકરી જન્મી હતી. ત્યાર બાદ બાકીનાં સંતાનો પણ એ જ દિવસે જન્મતાં રેકૉર્ડ થઈ ગયો છે. અગાઉ અમેરિકાના કમિન્સ પરિવારનાં પાંચ બાળકો હતાં. આ તમામનો જન્મ ૧૯૫૨થી ૧૯૬૬ વચ્ચે ૨૦ ફેબ્રુઆરીએ થયો હતો. જ્યાં સુધી માંગી પરિવારની માહિતી ન મળી ત્યાં સુધી આ જ રેકૉર્ડ કાયમ રહ્યો હતો. આમિર અલી આ ઘટનાને ઈશ્વરની ભેટ ગણે છે. તમામ બાળકોનો જન્મ કુદરતી રીતે જ થયો છે. ક્યારેય કોઈની ડિલિવરી વહેલી થઈ નથી. પહેલી ઑગસ્ટનો દિવસ પરિવાર માટે ખાસ છે. પહેલાં તો તેઓ આની ઉજવણી સાદાઈથી કરતા હતા, પરંતુ હવે વધારે આનંદથી કરે છે.