12 August, 2024 11:38 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કર્ણાટકના અગુમ્બે પાસે એક નદીમાં માછલી પકડવા માટે નાખેલી જાળમાં ૭ ફુટ લાંબો અજગર ફસાયેલો જોવા મળ્યો હતો. અજગર પાણીમાં માછલી ખાવા ગયો હશે, પણ એ માછલી જાળમાં ફસાઈ અને એની પાછળ-પાછળ અજગરભાઈ પણ ફસાઈ ગયા. જોકે માછલીની નેટમાંથી બહાર નીકળતાં અજગરને ફાવ્યું નહીં. આખરે અગુમ્બે રેઇનફૉરેસ્ટ રિસર્ચ સ્ટેશનના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા. નિષ્ણાતોએ અજગરના મોઢા પર પાઇપ ભરાવીને એને જાળ સહિત પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને પછી કાતરથી નેટ કાપી નાખી હતી. અજગરે તાજો જ માછલીઓનો શિકાર કર્યો હોય એવું લાગતું હતું, કેમ કે એનું પેટ ફૂલેલું હતું. જેવી નેટ કપાઈ અને અજગર ફ્રી થયો કે તરત એ શાંતિથી કોઈને નુકસાન પહોંચાડ્યા વિના જંગલમાં જતો રહ્યો. આ વિડિયો જોઈને કેટલાકને સવાલ થયો છે કે કદાચ તેના ફૂલેલા પેટમાં માછલીઓનો શિકાર નહીં પણ બીજું કંઈક હશે તો? એ કાઢી નાખવું જોઈતું હતું. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે એ તાજો શિકાર કર્યાની નિશાની છે અને અજગરે કરેલો શિકાર એને પાછો ઓકાવવાની કોઈ જરૂર નહોતી.