16 October, 2026 02:43 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાવણનું પૂતળું
વિજયાદશમીની તૈયારીઓ દિલ્હીમાં પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન કરવા માટે ૨૨૧ ફુટ ઊંચા દશાનનનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. એની ઊંચાઈ ૨૨૧ ફુટ છે જે લગભગ બાવીસ માળ બરાબર ઊંચાઈ ગણાય. રાવણની સાથે અહીં મેઘનાદ અને કુંભકર્ણનાં પણ વિશાળ પૂતળાં બનાવવામાં આવ્યાં છે. એની ઊંચાઈ ૯૦-૯૦ ફુટની છે. છેલ્લા ત્રણ મહિનાથી આ પૂતળાં બનાવવાની તૈયારી ચાલી રહી હતી.
આયોજકોનો દાવો છે કે આ વર્ષનો રાવણ દુનિયાનો સૌથી ઊંચો રાવણ હશે. ચંડીગઢથી આવેલા ખાસ ૧૨૦ નિષ્ણાત કારીગરોએ પૂતળું બનાવવા માટે રાતદિવસ એક કર્યાં હતાં. આ ત્રણેય પૂતળાં સ્થિર રહી શકે એ માટે એમાં ૭ ટન લોખંડ વાપરવામાં આવ્યું છે અને એનો પાયો દસ ફુટ ઊંડો ખોદવામાં આવ્યો છે. રાવણના માથે પહેરાવવાનો મુગટ પણ ખાસ છે. પૂતળાં પર પહેરાવવાનાં કપડાં વૉટરપ્રૂફ વેલ્વેટથી બન્યાં છે. માત્ર મુગટની જ હાઇટ પચીસ ફુટની છે. આ જાયન્ટ રાવણ બનાવવામાં લગભગ ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જાયન્ટ રાવણનું દહન કરવા માટે પણ વિશેષ સેફ્ટી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં ગ્રીન ફટાકડા ગોઠવવામાં આવ્યા છે. એનું દહન રિમોટ કન્ટ્રોલથી કરવામાં આવશે.