✕

૯૧ વર્ષની વયે પહેલો પાસપોર્ટ બનાવ્યો અને ૯૬ વર્ષ સુધીમાં તો સાતેય ખંડ ઘૂમી વળ્યાં આ દાદી

16 November, 2026 05:56 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડમાં બૌદ્ધ સાધુઓ સાથેની મુલાકાતે દાદી-પૌત્રના જીવનને વધુ ખુશનુમા અને આનંદદાયી કરી દીધું. પૌત્રનું કહેવું છે કે આ પ્રવાસોથી માત્ર દાદીએ દુનિયા જોઈ હતી એવું નથી, મારા જીવનમાં પણ નવી ખુશીઓ અને શાંતિનો અધ્યાય શરૂ હતો હતો.

૯૧ વર્ષની વયે પહેલો પાસપોર્ટ બનાવ્યો અને ૯૬ વર્ષ સુધીમાં તો સાતેય ખંડ ઘૂમી વળ્યાં આ દાદી

જો મનમાં ઉત્સાહ અને કંઈક કરી બતાવવાનો જુસ્સો હોય તો દુનિયા જોવા માટે ઉંમર ક્યારેય નડતી નથી. અમેરિકાના ઓહાયો રાજ્યમાં રહેતાં ગ્રૅન્ડમા જૉય તરીકે સોશ્યલ મીડિયા પર ફેમસ ૯૬ વર્ષનાં જૉય રાયને ૯૦ના દાયકામાં પ્રવેશ્યા પછી દુનિયાનો પ્રવાસ કરીને અનોખો ઇતિહાસ રચ્યો છે. નવાઈની વાત એ હતી કે તેમણે ૯૧ વર્ષની ઉંમરે પહેલી વાર પાસપોર્ટ બનાવડાવ્યો હતો. મતલબ કે ત્યાં સુધી તેઓ કદી અમેરિકાની બહાર ફરવા ગયાં જ નહોતાં. જોકે ૪૫ વર્ષના પૌત્ર સાથે તેમણે દુનિયાભ્રમણ શરૂ કર્યું એ પછી તેમણે પાછું વળીને જોયું નહોતું. પૌત્ર સાથે શરૂ થયેલી વિશ્વભ્રમણની સફર પાછળ પણ એક અત્યંત ભાવુક કહાની છુપાયેલી છે. પારિવારિક કારણોસર જૉય અને તેમના પૌત્ર બ્રૅડ વચ્ચે આશરે ૧૦ વર્ષ સુધી કોઈ જ સંપર્ક નહોતો. જોકે ૨૦૧૫માં બ્રૅડે દાદીને ફોન કરીને ગ્રેટ સ્મોકી માઉન્ટન્સમાં કૅમ્પિંગ કરવાની ઇચ્છા છે કે કેમ એવું પૂછ્યું. દાદીએ જીવનમાં ક્યારેય પહાડ જોયા નહોતા એટલે દાદી તૈયાર થઈ ગયાં. દાદી-પૌત્રની જોડી એ પછી અમેરિકાના ૬૩ નૅશનલ પાર્કમાં ફરી. એ દરમ્યાન પૌત્રએ દાદી ઇન્ટરનૅશનલ ટ્રાવેલ કરી શકે એ માટે પાસપોર્ટ બનાવડાવ્યો. એ વખતે જૉયદાદીની ઉંમર હતી ૯૧ વર્ષ. એ પછી દાદી અનેક દેશોમાં ફર્યાં. છેલ્લે થાઇલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસ સાથે દાદી વિશ્વના સાતેય ખંડના એક-બે દેશો ફરી ચૂક્યાં છે. 
થાઇલૅન્ડમાં બૌદ્ધ સાધુઓ સાથેની મુલાકાતે દાદી-પૌત્રના જીવનને વધુ ખુશનુમા અને આનંદદાયી કરી દીધું. પૌત્રનું કહેવું છે કે આ પ્રવાસોથી માત્ર દાદીએ દુનિયા જોઈ હતી એવું નથી, મારા જીવનમાં પણ નવી ખુશીઓ અને શાંતિનો અધ્યાય શરૂ હતો હતો.

offbeat news united states of america social media international news world news