12 June, 2026 02:51 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
એલેના અરખોવા
સોશ્યલ મીડિયા પર રશિયાનાં ૮૩ વર્ષનાં માજી આજકાલ ચર્ચામાં છે. એલેના અરખોવા નામનાં માજી સાઇબીરિયાનાં નિવાસી છે. બીજા વિશ્વયુદ્ધને નજરોનજર નિહાળનારાં એલેનાએ ખૂબ જ કરકસરથી અને કટોકટીભરી સ્થિતિમાં જીવન ગુજાર્યું છે. આર્થિક તંગી એટલી હતી કે ફરવા જવાનો તો વિચાર પણ પોસાય એવો નહોતો. આખી જુવાની અને પ્રૌઢાવસ્થા દરમ્યાન ફૂલો અને હાથેથી ગૂંથેલાં આર્ટિફેક્ટ્સ વેચીને વધારાની ઇન્કમ કમાઈને ઘર ચલાવ્યું અને રિટાયર થયા પછી પેન્શન અને થોડી-ઘણી બચતથી જીવન ઠરીઠામ થયું. એ પછી બાએ પોતાનું દુનિયા ફરવાનું સપનું અમલમાં મૂક્યું છેક ૮૩મા વર્ષે. સાથે ફરવા આવી શકે એવો કોઈ સંગી-સાથી હતો નહીં એટલે તેમણે સોલો ટ્રાવેલ જ શરૂ કર્યું છે. એક વર્ષમાં તેઓ જર્મની, ઇટલી, થાઇલૅન્ડ, વિયેટનામ, ટર્કી, ઇઝરાયલ અને મૉન્ગોલિયા જેવા અનેક દેશો ફરી વળ્યાં છે. ઊંટની સવારી કરવી કે બાઇક પર લિફ્ટ લઈને ટ્રાવેલ કરવું પણ તેમને ગમે છે.