14 May, 2026 12:48 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
ઓમ એન.
શીર્ષાસન કરવું એ નિયમિત યોગના અભ્યાસુઓ માટે પણ કપરું ગણાય છે. જોકે એક છોટે યોગીબાબાએ એવું હૅન્ડ્સ-ફ્રી શીર્ષાસન કર્યું છે જે કદાચ યોગીઓ માટે પણ દુર્લભ હશે. હાલમાં ઇન્ટરનેટ પર એક છોટે યોગીનો વિડિયો વાઇરલ થયો છે. એમાં કર્ણાટકના ઓમ એન. નામના ૮ વર્ષના બાળકે દીવાલના સહારે શીર્ષાસન કર્યું છે અને હાથથી સપોર્ટ લેવાને બદલે હાથને પણ નમસ્કાર મુદ્રામાં રાખીને બૉડીને માથા પર સીધુ સંતુલિત કર્યું છે. એ પછી તે કડકડાટ શિવ તાંડવ સ્તોત્ર ગાવાનું શરૂ કરે છે. ૩ મિનિટ અને ૪૭ સેકન્ડમાં બુલેટ ટ્રેનની ઝડપે સ્પષ્ટ ઉચ્ચાર સાથે શિવ તાંડવ સ્તોત્ર ગાવાનું આ કારનામું ઓમે ફેબ્રુઆરી મહિનામાં કર્યું હતું. તાજેતરમાં આ કારનામાને ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
સામાન્ય રીતે પગ ઉપર અને માથું નીચે થાય એટલે આખા શરીરમાંથી લોહીનો પ્રવાહ માથામાં થાય છે. એને કારણે ધીમે-ધીમે કરતાં માથામાં પ્રેશર વધુ ફીલ થવા લાગે છે. અમુક સમય કરતાં વધુ ઊલટા રહેવાને કારણે બોલવાનું અને વિચારવાનું પણ અઘરું થઈ જાય છે.
જોકે ઓમની એકાગ્રતા અને બોલવાની સ્પીડ પહેલેથી છેલ્લે સુધી અટલ રહી હતી. આ કારનામું કરવા માટે માત્ર મેમરી કે માત્ર શારીરિક ક્ષમતા કેળવવી જ જરૂરી નહોતી, શ્વાસ પર કાબૂ કરીને શરીર-મનને સંતુલિત કરવાનની સ્કિલ કેળવવી પણ મહત્ત્વની હતી.