16 March, 2026 02:09 PM IST | Manchester | Gujarati Mid-day Correspondent
૭૮ વર્ષના દાદાને ફૂડ-ડિલિવરી કરતા જોઈને લોકોએ તેમને એટલી મદદ કરી કે દાદા કરોડપતિ થઈ ગયા
અમેરિકાના મૅન્ચેસ્ટરમાં રહેતા ૭૮ વર્ષના રિચર્ડ પુલી જીવનનિર્વાહ માટે ફૂડ-ડિલિવરીનું કામ કરતા હતા. ઘણા સમયથી તેઓ એ કામ કરતા હતા. રિચર્ડ અને તેમની પત્ની બ્રૅન્ડા બન્ને રિટાયર થઈ ચૂક્યાં હતાં અને ઘરખર્ચ માટે તેમણે કંઈક કામ કરવું જ પડે એમ હતું. બ્રૅન્ડા કાર ચલાવતી હતી, જ્યારે રિચર્ડ ઘરે-ઘરે જઈને ડિલિવરીનું કામ કરતા હતા. બન્નેની કમાણીનો મોટા ભાગનો ખર્ચ તેમની સ્વાસ્થ્યની સારવારમાં જ વપરાઈ જતો હતો. એવામાં બ્રિટ્ની સ્મિથ નામની એક મહિલાને પોતાના ઘરની બહાર મૂકેલા કૅમેરામાં આ રિચર્ડદાદા જોવા મળ્યા. બ્રિટ્નીના ઘરની બહાર કૅમેરા લગાવ્યો હતો. તે ડિલિવરી કરનારાઓ માટે ઇન્સ્ટ્રક્શન આપી રાખતી હતી કે દરવાજાની બહાર સામાન મૂકીને બેલ મારીને જતા રહેવું. એક વાર તેણે પોતાના ડોર પર લાગેલા કૅમેરાનું ફુટેજ તપાસ્યું તો જોયું કે રિચર્ડ પુલી ધીમે-ધીમે ચાલીને ઘર તરફ આવી રહ્યા છે. રેલિંગનો સહારો લીધા પછી પણ તેમને બે દાદરા ચડવામાં મુશ્કેલી પડી રહી છે. સામાન દરવાજે મૂક્યા પછી ટર્ન લેતી વખતે પણ રિચર્ડ ધ્રૂજી રહ્યા છે. એ જોઈને બ્રિટ્ની અંદરથી હચમચી ગઈ. તેણે ડિલિવરી પ્લૅટફૉર્મ પરથી રિચર્ડનો સંપર્ક કર્યો. પોતાના ઘરની બહાર જે વિડિયો જોઈને તે ભાવુક થઈ ગઈ હતી એ સોશ્યલ મીડિયા પર મૂકીને તેણે લોકોને આ વડીલને મદદ કરવા માટે અપીલ કરી. દુનિયામાં હજીયે બ્રિટ્ની જેવા અનેક લોકો છે એટલે થોડા જ દિવસોમાં રિચર્ડ અને તેની પત્ની માટે લોકોએ લગભગ ૪.૬ કરોડ રૂપિયાનું દાન એકઠું કરી નાખ્યું હતું.