04 July, 2024 09:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
૧૦૦ વર્ષથી મોટી વયના સૌથી વધુ સેન્ચુરિયનો
જેમણે બબ્બે વિશ્વયુદ્ધો જોઈ લીધાં હોય એવા ૧૦૦ વર્ષથી મોટી વયના સૌથી વધુ સેન્ચુરિયનોને તાજેતરમાં એક જગ્યાએ ભેગા કરવાની ઇવેન્ટ ઇટલીમાં થઈ. ૨૦૧૬માં ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ કમ્યુનિટી કૅર નેટવર્કમાં ૪૫ શતકવીરોને ભેગા કરવાનો વિક્રમ બન્યો હતો. એને તોડવા માટે ઇટલીના એક રિટાયરમેન્ટ હોમે બીડું ઝડપ્યું અને ખાસ્સા મહિનાઓની મહેનત પછી ઇટલીના ૭૦ સેન્ચુરિયનોનો મિલન સમારોહ યોજ્યો હતો. ઇટલીનું એ રિટાયરમેન્ટ હોમ ૧૯૫૫થી કાર્યરત છે. આમ તો આ સંસ્થા દ્વારા દર વર્ષે સેન્ચુરિયન વડીલોનો મેળાવડો થતો હોય છે અને દર વર્ષે એમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો હોવાથી તેમણે રેકૉર્ડને મોટા માર્જિનથી જીતવા માટે ખાસ સમારોહ યોજ્યો. આ વખતે વેનેટોના મેયરની હાજરીમાં તમામ સેન્ચુરિયનો તેમનાં આઇડેન્ટિટી કાર્ડ્સ, પાસપોર્ટ અને બર્થ-સર્ટિફિકેટ સાથે ભેગા થયા હતા જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓ દ્વારા વેરિફાય કરવામાં આવ્યાં અને આ ઇવેન્ટને વિક્રમી જાહેર કરી. સૌથી મોટી વયના દાદા ૧૦૯ વર્ષના હતા. આ ઇવેન્ટમાં બધાએ પોતાના લાંબા આયુષ્યના રાઝ શૅર કર્યા હતા.