16 October, 2024 04:25 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
ઓડિશાના જય કિશોર પ્રધાન
નોકરિયાત વર્ગ માટે નિવૃત્તિ પછીનો સમય ‘મી ટાઇમ’ જેવો હોય છે. કેટલાય લોકો નિરાંતનું જીવન જીવવાનું પસંદ કરે છે, કેટલાક લોકો હરવાફરવાની મજા માણે છે; પરંતુ ઓડિશાના જય કિશોર પ્રધાને નોખો ચીલો ચાતર્યો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)માંથી ડેપ્યુટી મૅનેજરપદેથી તેઓ ૨૦૧૬માં નિવૃત્ત થયા હતા. એ પછી તેમણે બૅચલર ઑફ મેડિસિન, બૅચલર ઑફ સર્જરી (MBBS) કરવાની વર્ષોજૂની ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું અને મેડિકલની તૈયારી શરૂ કરી. નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે મહત્તમ વયમર્યાદા ન રાખવા સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં મંજૂરી આપી હતી એટલે તેમણે ૬૪ વર્ષની ઉંમરે ૨૦૨૦માં NEET આપી હતી અને સારા માર્કે પાસ થયા હતા. તેમને ઓડિશાના બુર્લામાં સરકારી વીર સુરેન્દ્ર સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચમાં પ્રવેશ પણ મળી ગયો છે. પ્રધાન સ્કૂલમાં હત્યા ત્યારે ૧૯૭૪માં મેડિકલ પ્રવેશ માટે પરીક્ષા આપી હતી, પણ પાસ નહોતા થયા એટલે તેમણે ફિઝિક્સમાં બૅચલર ઑફ સાયન્સ (BSc) કર્યું અને સ્કૂલ-ટીચર બની ગયા. એ પછી ઇન્ડિયન બૅન્ક અને છેલ્લે SBIમાં નોકરી કરી હતી. ડૉક્ટર બન્યા પછી તેમણે ગરીબોની સેવા કરવાનું નક્કી કર્યું છે.