પુનર્જન્મની અનોખી કહાણી : ૮૫ વર્ષની પત્નીના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો ગયા ભવનો પતિ

28 August, 2026 03:02 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

હરિયાણામાં ૨૫ વર્ષના આકાશ સિંહે દાવો કર્યો કે ૮૫ વર્ષની ચમેલીદેવી ગયા ભવે તેની પત્ની હતી. તેણે પોતે ગયા ભવે માસ્ટર હીરાલાલ હોવાનો દાવો કરીને અંતિમ વિધિમાં પણ ભાગ લીધો.

પુનર્જન્મની અનોખી કહાણી : ૮૫ વર્ષની પત્નીના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો ગયા ભવનો પતિ

હરિયાણાના પલવલ જિલ્લાના પડોલ નામના ગામમાં ૮૫ વર્ષનાં ચમેલીદેવીનું મૃત્યુ થયું. તેમના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા ત્યારે એમાં હાજરી આપવા માટે ૨૫ વર્ષનો આકાશ સિંહ નામનો યુવાન આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે મૃત્યુ પામનારાં ચમેલી દેવી ગયા ભવે તેની પત્ની હતાં. વાત એમ છે કે આકાશ સિંહનો દાવો છે કે તેના ગયા ભવમાં ચમેલી દેવી તેની પત્ની હતી. એ વખતે તેનું નામ હતું માસ્ટર હીરાલાલ. ૧૯૮૭માં ૧૮ જાન્યુઆરીએ હીરાલાલ મોટા દીકરા સાથે સાઇકલ પર ગામની બહાર જઈ રહ્યા હતા ત્યારે એક બસે ટક્કર મારતાં અકસ્માતમાં હીરાલાલનું મૃત્યુ થયું હતું. એ વખતે તેનો મોટો દીકરો જોગેન્દ્ર ૧૭ વર્ષનો હતો. જોગેન્દ્રનાં મમ્મી ચમેલી દેવી એ પછીથી વિધવા તરીકે જીવન ગાળી રહ્યાં હતાં. જોકે આકાશ સિંહ નામના આ યુવાનનું કહેવું હતું કે હીરાલાલનો અકસ્માત થયાનાં ૧૫ વર્ષ પછી તેનો પુનર્જન્મ થયો હતો. તેને ગયા જન્મનું બધું જ યાદ છે. ચમેલી દેવીના મૃત્યુ પહેલાંથી તે જોગેન્દ્ર સિંહની સાથે સંપર્કમાં હતો. ચમેલી દેવીના મૃત્યુ પછીના ક્રિયાકર્મમાં આકાશે ગયા ભવના પતિ તરીકે વિધિઓ કરી હતી. 

haryana viral videos news offbeat news hatke news