29 January, 2026 01:02 PM IST | Arkansas | Gujarati Mid-day Correspondent
રમવા અને ભણવાની ઉંમરે ટીનેજર્સ માતા-પિતા બની રહ્યાં છે
અમેરિકાના અર્કાન્સસમાં એક એવી ઘટના ઘટી છે જે બાળકોના બાળપણ માટે અલાર્મિંગ છે. રમવા અને ભણવાની ઉંમરે ટીનેજર્સ માતા-પિતા બની રહ્યાં છે. થોડાં વર્ષો પહેલાં ટીનેજર્સમાં બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બનાવવાનો વાયરો વાયો હતો, પરંતુ આ પવને હવે ટીનેજર્સને ફિઝિકલ ઇન્ટમસીમાં પણ પળોટી નાખતાં રમવાની ઉંમરે તેઓ પેરન્ટ્સ બની રહ્યા છે. વાત એમ છે કે ૧૫ વર્ષની બેલા નામની ટીનેજરે પોતે પ્રેગ્નન્ટ હોવાની વાત પેરન્ટ્સને કહી ત્યારે પહેલાં તો તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ. તેમને થયું કે શું દીકરી સાથે કોઈ દુષ્કર્મ થયું છે? ના, બેલાએ કહ્યું કે તે બાળક તેના બૉયફ્રેન્ડ હન્ટરનું છે. આ હન્ટરની ઉંમર છે ૧૨ વર્ષ. સ્વાભાવિક છે કે બેલાના પેરન્ટ્સે હન્ટરના પેરન્ટ્સને પણ આ વાતની જાણ કરી. બેલાનાં માતા-પિતા કોઈક રીતે પરિસ્થિતિ સંભાળી લેવા માગતાં હતાં, જ્યારે હન્ટરના પેરન્ટ્સને લાગતું હતું કે દીકરાને હજી મૂછનો દોરો ફૂટ્યો નથી ત્યાં બાળક? એના કરતાં બેલાએ અબૉર્શન કરાવી લેવું જ ઠીક રહેશે. જોકે બેલાએ પોતાના બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. આ આખી ઘટના અનએક્સ્પેક્ટેડ નામના જાણીતા શો પર રજૂ થઈ છે. જ્યારે બેલાએ બાળકને જન્મ આપ્યો ત્યારે તેને પંદરમું વર્ષ બેઠું હતું અને હન્ટર માત્ર ૧૨ વર્ષનો હતો. જે હજી પોતે બાળક છે તેઓ બાળક પેદા કરે એ વાત સમાજને તો હજમ નથી જ થતી, પરંતુ તેમના પેરન્ટ્સ પણ હજી શૉકમાં છે. ૧૪ અને ૧૨ વર્ષનાં બાળકો તેમના સંતાનનો ઉછેર કઈ રીતે કરશે? પહેલાં તો બેલાના પેરન્ટ્સે દીકરી પર ખૂબ ગુસ્સો કર્યો, પણ પછી બેલાના નિર્ણયને સ્વીકારી લીધો. હાલમાં આઠમા ધોરણમાં ભણતા હન્ટરને એક વર્ષનો દીકરો છે. બેલાનું કહેવું છે કે હું ટીનેજ પ્રેગ્નન્સીને પ્રોત્સાહન આપવા માટે મારી વાત જાહેર કરવા નથી આવી, પરંતુ બાળપણમાં જો તમે નાસમજમાં કેટલાંક પગલાં ઉઠાવી લો છો તો એને કારણે જિંદગી તમને અકલ્પનીય જવાબદારીઓ આપી દે છે અને તમારું બાળપણ છીનવી લે છે. એમ છતાં પોતે આ સંતાનથી ખુશ છે એવું પણ તે કહે છે.