16 June, 2025 01:52 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ગોલિએથ નામનો કાચબો
અમેરિકાના માયામીના એક ઝૂમાં ૧૩૫ વર્ષનો ગોલિએથ નામનો ગૅલાપાગોસ કાચબો આજકાલ ચર્ચામાં છે, કેમ કે આટલાં વર્ષો બાદ એ પહેલી વાર પિતા બન્યો છે. સામાન્ય રીતે એના જન્મદિવસે સહેલાણીઓ એને જોવા એકઠા થતા હોય છે, પરંતુ આ વખતે ફાધર્સ ડે પર માયામી પ્રાણીસંગ્રહાલયે એનું ખાસ સન્માન કર્યું હતું કેમ કે એ પહેલી વાર આટલી મોટી વયે પિતા બન્યો હતો. ૨૭૫ કિલો વજન ધરાવતો આ જાયન્ટ ગોલિએથ કાચબો પિતા બન્યો એ માત્ર એના માટે જ નહીં, માયામી ઝૂ માટે પણ ઐતિહાસિક ક્ષણ છે કેમ કે આ ઝૂમાં પહેલું ગૅલાપાગોસ કાચબાનું બચ્ચું છે. જાન્યુઆરી મહિનામાં આઠ ઈંડાં એના એન્ક્લોઝરમાંથી કાઢીને એમને સેવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ચોથી જૂને એના એક ઈંડાંમાંથી બચ્ચું બહાર આવ્યું હતું.
આ બચ્ચાની મા અને સ્વીટ પી નામની ગોલિએથની પાર્ટનર પણ ૮૫થી ૧૦૦ વર્ષની હોય એવું મનાય છે ત્યારે આ બચ્ચું સૌથી મોટી વયના કાચબા કપલનું સંતાન છે. માયામી ઝૂએ ઓલ્ડેસ્ટ વયે પહેલી વાર પિતા બનનાર ગોલિએથ અને સૌથી મોટી વયના કાચબા કપલના સંતાન તરીકે નવા બાળકનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધવા માટે અરજી કરી છે.