08 September, 2025 02:07 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પોલીસે રાશિદને પકડી લીધો હતો.
ઉત્તર પ્રદેશના બરેલીમાં ૧૧ વર્ષની એક કિશોરી છેલ્લા ઘણા દિવસથી પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી રહી હતી એટલે તેને ખાવાનું પચવામાં તકલીફ છે એમ સમજીને તેના પેરન્ટ્સ દવાખાને લઈ ગયા. એ વખતે ડૉક્ટરે સોનોગ્રાફી કરી તો ખબર પડી કે તેને પાચનમાં કોઈ તકલીફ નથી, પરંતુ તે પ્રેગ્નન્ટ છે. એ પણ ૭ મહિના થઈ ચૂક્યા છે. એ દરમ્યાન કિશોરીને પેટમાં દુઃખાવો વધી ગયો અને પાણી છૂટી જતાં તરત ડિલિવરી કરાવવી પડી. ગયા ગુરુવારે તેણે બાળકને જન્મ આપ્યો હતો. જોકે જન્મના અડધો જ કલાકમાં નવજાત બાળક મૃત્યુ પામ્યું હતું. બીજી તરફ પોલીસે આ બાબતે સંજ્ઞાન લઈને છોકરીને પૂછ્યું ત્યારે તેણે રાશિદ નામના નજીકમાં રહેતા પાડોશીનું નામ આપ્યું હતું. રાશિદ પરણેલો છે અને તેને બે બાળકો છે. તેના ઘરે કોઈ નહોતું ત્યારે તેણે આ કિશોરીને ફૂટની લાલચ આપીને તેના ઘરે બોલાવી હતી અને જાતીય શોષણ કર્યું હતું. રેપ કરીને તેણે છોકરીનો વિડિયો પણ ઉતાર્યો હતો અને ધમકી આપી હતી કે જો કોઈકને કહેશે તો આ વિડિયો માબાપને બતાવી દઈશ. આ જ વિડિયોનો ડર બતાવીને બ્લૅકમેઇલ કરીને તે એ પછી ઘણી વાર કિશોરી પર રેપ કરી ચૂક્યો હતો. પોલીસે રાશિદને પકડી લીધો હતો.