28 September, 2023 09:50 AM IST | Kuala Lumpur | Gujarati Mid-day Correspondent
પુનિથામલર રાજશેકરે
મલેશિયાની છોકરી પુનિથામલર રાજશેકરે આંખે પાટા બાંધીને સૌથી ઝડપી સમયમાં ચેસ સેટ ગોઠવવાનો રેકૉર્ડ તોડ્યો છે અને એ સાથે જ તેણે સાબિત કર્યું છે કે તે આંખ બંધ કરીને રેકૉર્ડ તોડી શકે છે. પુનિથામલરે ૪૫.૭૨ સેકન્ડમાં જ આ ટાસ્ક કરીને અગાઉનો રેકૉર્ડ તોડ્યો હતો. આ પ્રતિભાશાળી છોકરી એશિયાના ઉત્કૃષ્ટ બાળ પુરસ્કાર સહિત અનેક અવૉર્ડ્સ જીતી છે અને મલેશિયાની કિડ્સ ગૉટ ટૅલન્ટ જેવી વિવિધ સ્પર્ધાઓમાં તેણે પોતાની કુશળતા દર્શાવી છે.
આ રેકૉર્ડનો પ્રયાસ પુનિથામલરની સ્કૂલમાં થયો હતો, જેમાં પેરન્ટ્સ અને ટીચર્સ અસોસિએશનના સભ્યો અને સ્કૂલ મૅનેજમેન્ટ હાજર હતું. ચેસ પ્રત્યે પુનિથામલરનો જુસ્સો તો રેકૉર્ડબ્રેકિંગ સમયમાં ચેસની ગોઠવણી કરતાં પણ આગળ વધે છે. તે એક ઉત્તમ ચેસ ખેલાડી છે, જે પાંચ વર્ષની હતી ત્યારથી રમવાનું શરૂ કર્યું હતું. તે તેની સ્કૂલની શ્રેષ્ઠ ખેલાડી છે અને તેણે ડિસ્ટ્રિક્ટ ચેસ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
પુનિથામલરે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતા મારા કોચ છે અને અમે લગભગ દરરોજ સાથે રમીએ છીએ. પુનિથામલરને અસાધારણ માનવસિદ્ધિઓ વિશેની ડૉક્યુમેન્ટરી જોયા પછી વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનો વિચાર આવ્યો હતો.