16 July, 2024 02:58 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દીપિન્દર ગોયલ
ફૂડ ડિલિવરી સર્વિસ ઝોમાટોના શૅરની કિંમતમાં સતત વધારો થતાં એના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર દીપિન્દર ગોયલનો સમાવેશ બિલ્યનેર ક્લબમાં થયો છે. જુલાઈ ૨૦૨૩થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા એક વર્ષમાં ઝોમાટોના શૅરમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. ઝોમાટોના શૅરની કિંમત હાલમાં ૨૩૦ રૂપિયાની આસપાસ છે જે એક નવો રેકૉર્ડ છે. ૪૧ વર્ષનો દીપિન્દર ગોયલ ઇન્ડિયાનો સૌથી પૈસાદાર પ્રોફેશનલ મૅનેજર બની ગયો છે. દીપિન્દરની નેટવર્થ હાલમાં ૮૩૦૦ કરોડ રૂપિયા છે. આ કંપનીમાં તેના ૪.૨૪ ટકા એટલે કે ૩૬.૯૫ કરોડ રૂપિયાના શૅર છે. ઝોમાટો દ્વારા શરૂ કરવામાં આવેલી બ્લિન્કિટ પણ બહુ જલદી પ્રૉફિટમાં આવી જશે એવી ચર્ચા છે. સ્વિગીની ઇન્સ્ટામાર્ટ અને ઝેપ્ટોની જેમ થોડી જ મિનિટોમાં ગ્રોસરી ઘરે પહોંચાડવા માટે ઝોમાટોએ બ્લિન્કિટ શરૂ કરી છે. ખૂબ ઝડપથી એનું પણ માર્કેટ ઉપર આવી રહ્યું છે. બ્લિન્કિટની માર્કેટ-વૅલ્યુ ૨૦૨૩ના માર્ચમાં ૧,૭૬,૧૮,૩૩,૦૦,૦૦૦ રૂપિયા હતી જે હાલમાં ૧૦,૮૬,૬૯,૧૪,૫૦,૦૦૦ રૂપિયા છે.