04 May, 2025 08:28 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
દુર્ગામાતા
ઝારખંડના પલામૂ શહેરમાં વિશ્વનું સૌથી ઊંચું મા દુર્ગાનું મંદિર બાંધવામાં આવશે જેનું ભૂમિપૂજન ૧૪ મેએ ધૂમધામથી થશે. આ પ્રસંગે પૂજન અને અનુષ્ઠાન પણ કરવામાં આવશે. આ માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પલામૂના હુસૈનાબાદમાં આવેલા બરહી ધામમાં આ મંદિર બનાવવામાં આવશે અને એ મંદિર ૫૫૧ ફુટ ઊંચું હશે અને એ અત્યાર સુધીમાં દુનિયાનું સૌથી ઊંચું મંદિર બની રહેશે. આ સાથે આ પરિસરમાં ૧૫૧ ફુટ ઊંચું નવગ્રહ મંદિર પણ બાંધવામાં આવશે. મંદિરનિર્માણ માટે દાતાઓ પાસેથી આશરે પાંચ એકર જમીન લેવામાં આવી છે. આ મંદિરનું નિર્માણકાર્ય શિવાંશ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હાલમાં મા દુર્ગાનું સૌથી ઊંચું મંદિર બિહારના બેગુસરાયમાં છે જેની ઊંચાઈ ૨૨૧ ફુટ છે.
નિર્માણ પાછળની રોચક કહાની
આ સૌથી ઊંચા મંદિરના નિર્માણ પાછળ પણ એક કહાની છે. ૨૦૨૨ના મે મહિનામાં બરહી ધામમાં દક્ષિણમુખી હનુમાનજીની ૧૦૫ ફુટની ઊંચી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ સમયે મહાયજ્ઞના ખોદકામ વખતે અષ્ટધાતુની મા દુર્ગાની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ખોદકામ વખતે બે સાપ પણ નીકળ્યા હતા જે ક્ષણભરમાં ગાયબ થયા હતા. આ અદ્ભુત ઘટનાને હજારો શ્રદ્ધાળુઓએ જોઈ હતી અને ત્યારે આ ભવ્ય મા દુર્ગા મંદિર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.