૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ સેક્સ-પાર્ટનર્સ ધરાવે છે : સર્વે

20 August, 2022 08:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ સર્વેમાં ૧.૧ લાખ મહિલાઓ અને ૧ લાખ પુરુષોને આવરી લેવામાં આવ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ ફૅમિ​લી હેલ્થ સર્વે દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં જણાયું હતું કે ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરેરાશ મહિલાઓ પુરુષોની તુલનાએ વધુ સેક્સ-પાર્ટનર્સ ધરાવે છે. એકંદરે દેશમાં જીવનસાથી ન હોય અથવા જેમની સાથે પોતે રહેતા ન હોય તેવી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધનારા પુરુષોની ટકાવારી ૪ ટકા હતી, જે મહિલાઓની તુલનાએ વધુ છે.

આ સર્વેમાં ૧.૧ લાખ મહિલાઓ અને ૧ લાખ પુરુષોને આવરી લેવામાં આવ્યાં હતાં, જે દર્શાવે છે કે ઘણાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરેરાશ સેક્સ-પાર્ટનરની સંખ્યા પુરુષો કરતાં મહિલાઓ માટે વધારે છે.

આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર, લદાખ, મધ્ય પ્રદેશ, કેરલા, લક્ષદ્વીપ, પૉન્ડિચરી અને તામિલનાડુ છે. રાજસ્થાનમાં સેક્સ-પાર્ટનર ધરાવતા સરેરાશ ૧.૮ ટકા પુરુષો સામે મહિલાઓની સંખ્યા સૌથી વધુ સરેરાશ ૩.૧ ટકા હતી.

જોકે સર્વેક્ષણ પહેલાંના ૧૨ મહિનામાં એવા પુરુષોની ટકાવારી ૪ ટકા હતી, જેઓ તેમના જીવનસાથી કે લિવ-ઇન પાર્ટનર ન હોય તેવી વ્યક્તિ સાથે સમાગમ કર્યું હોય, જ્યારે મહિલાઓ માટે આ સંખ્યા ૦.૫ ટકા હતી.

૨૦૧૯-’૨૧ દરમ્યાન હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ-પાંચમાં ૨૮ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૦૭ જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.  

રાષ્ટ્રીય અહેવાલ સામાજિક-આર્થિક અને અન્ય પૃષ્ઠભૂમિ લાક્ષણિકતાઓ દ્વારા ડેટા પણ પ્રદાન કરે છે, જે નીતિઘડતર અને અસરકારક કાર્યક્રમ અમલીકરણ માટે ઉપયોગી હોય છે.

national news rajasthan haryana chandigarh jammu and kashmir ladakh madhya pradesh kerala lakshadweep puducherry tamil nadu