17 June, 2025 11:46 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
એક મહિલાએ પેટ્રોલ પમ્પના કર્મચારી રજનીશ કુમારની સામે લાઇસન્સવાળી રિવૉલ્વર તાકી દીધી
ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ પમ્પ પર બળતણ પુરાવવા આવેલા લોકોને CNG (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ) કારમાંથી નીચે ઊતરવાનું કહેતાં એક મહિલાએ પેટ્રોલ પમ્પના કર્મચારી રજનીશ કુમારની સામે લાઇસન્સવાળી રિવૉલ્વર તાકી દીધી હતી અને કહ્યું હતું કે હું તને શૂટ કરી દઈશ એટલું જ નહીં, તને એટલી ગોળીઓ મારીશ કે તારા ઘરવાળા પણ તને ઓળખી નહીં શકે.
આ ઘટના હરદોઈ જિલ્લામાં બિલગ્રામ શહેરમાં બની હતી. આ ઘટના CCTV (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરામાં કેદ થઈ હતી. CNG પૂરતી વખતે કારમાં બેસેલા લોકોને રજનીશે સુરક્ષાનાં કારણોસર બહાર આવવાનું કહેતાં એક પુરુષ અને બે મહિલાઓ તેની પાસે આવ્યાં હતાં અને ધક્કામુક્કી કરી હતી. પછી એક મહિલા કાર પાસે જઈ અંદરથી રિવૉલ્વર લઈને આવી હતી અને રજનીશની સામે તાકી દીધી હતી.
આ ઘટના વિશે જાણકારી આપતાં બિલગ્રામના સર્કલ ઑફિસર રવિ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. એમાં ફરિયાદી રજનીશે જણાવ્યું છે કે તેની સામે સુરીશ ખાન ઉર્ફે અરીબાએ રિવૉલ્વર તાકી હતી. અરીબાના પિતા એહસાન ખાન અને મમ્મી હુસનાબાનુએ રજનીશને માર માર્યો હતો. પોલીસે રિવૉલ્વર અને ૨૫ જીવંત કારતૂસ જપ્ત કર્યાં છે. તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.