વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ભારતે G20 ગ્રુપની અધ્યક્ષતા સંભાળી

02 December, 2022 09:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતે આતંકવાદ વિરોધી પગલાં તેમ જ આર્થિક મંદી અને ક્લાઇમેટ ક્રાઇસિસ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં એકતા પર ફોકસ કરીને ગઈ કાલે એના G20ની અધ્યક્ષતાની શરૂઆત કરી હતી

વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ભારતે G20 ગ્રુપની અધ્યક્ષતા સંભાળી

નવી દિલ્હી ઃ ભારતે દુનિયાનાં મજબૂત અર્થતંત્રોના મંચ G20 ગ્રુપની અધ્યક્ષતા સંભાળતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર માનવતાના લાભ માટે મૂળભૂત માનસિકતામાં પરિવર્તન માટે ગઈ કાલે હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક વર્ષ સુધી G20 ગ્રુપની ભારતની અધ્યક્ષતા મહત્ત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી રહેશે. સાથે જ એનાથી સામૂહિક વિનાશનાં શસ્ત્રો દ્વારા ઊભાં થયેલાં જોખમોને ઘટાડવા અને વૈશ્વિક સુરક્ષા વધારવા પર પ્રામાણિક વાતચીતને પ્રોત્સાહન મળશે. ગઈ કાલથી સમગ્ર દેશમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સહિત ૧૦૦ જેટલાં મૉન્યુમેન્ટ્સ એક અઠવાડિયા સુધી G20ના લોગોને હાઇલાઇટ કરતાં ઝળહળી ઊઠશે.

ભારતે આતંકવાદ વિરોધી પગલાં તેમ જ આર્થિક મંદી અને ક્લાઇમેટ ક્રાઇસિસ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં એકતા પર ફોકસ કરીને ગઈ કાલે એના G20ની અધ્યક્ષતાની શરૂઆત કરી હતી. ભારતના G20 પ્લાન્સમાં સ્ટાર્ટ-અપ્સ પર પણ ખાસ ફોકસ રહેશે. ઉપરાંત ભારત ડિજિટલ ટેક્નૉલૉજીના લાભના મામલે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનું અંતર પણ ઘટાડવા ઇચ્છે છે.

ભારત હવે એક વર્ષ દરમ્યાન સમગ્ર દેશમાં લગભગ ૨૦૦ મીટિંગ્સની યજમાની કરશે. પ્રથમ મીટિંગ આ અઠવાડિયાના અંતમાં ઉદયપુરમાં યોજાશે. એ સિવાય આવતા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં G20 સમિટ યોજાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિનામાં ભારતની G20 અધ્યક્ષતા માટેની થીમ અને લોગોનું અનાવરણ કર્યું હતું. આ લોગોમાં કમળનું ફૂલ અને ગ્લોબ બતાવાયાં છે, જ્યારે થીમ એક પૃથ્વી, એક પરિવાર, એક ભાવિ છે. જે વસુધૈવ કુટુમ્બકમ પ્રત્યેના ભારતના કમિટમેન્ટને રજૂ કરે છે.

G20 ગ્રુપમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જપાન, રિપબ્લિક ઑફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટર્કી, યુકે, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. 

national news g20 summit india