ભારતમાં ફૉરેન યુનિવર્સિટીઓની ફી અફૉર્ડેબલ રહેશે?

07 January, 2023 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુજીસીના ચૅરમૅને જણાવ્યું કે જો ફૉરેન યુનિવર્સિટીઓ ફૉરેન જેટલી જ ટ્યુશન-ફી ઇન્ડિયામાં તેમના કૅમ્પસ માટે રાખશે તો તેઓ સ્ટુડન્ટ્સને આકર્ષી નહીં શકે

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

નવી દિલ્હી : ભારતના હાયર એજ્યુકેશન સેક્ટરમાં નવી ક્રાન્તિ આવી શકે છે. યાલે, ઑક્સફર્ડ અને સ્ટૅનફર્ડ જેવી અગ્રણી ફૉરેન યુનિવર્સિટીઓને તેમના કૅમ્પસ દેશમાં શરૂ કરવા અને ડિગ્રી પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી શકે છે. 
યુજીસીએ જણાવ્યું છે કે ફૉરેન યુનિવર્સિટીઝ માત્ર ઑફલાઇન ફુલ-ટાઇમ કોર્સ ઑફર કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ઑનલાઇન કે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ ઑફર નહીં કરી શકે. યુજીસીએ જણાવ્યું છે કે આવી ફૉરેન યુનિવર્સિટીઓને ઇન્ડિયન અને ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સનાં ઍડ્મિશન માટેની તેમની પોતાની પ્રક્રિયા નક્કી કરવા માટે છૂટ આપવામાં આવશે. 
યુજીસીએ જણાવ્યું હતું કે વધુ રૅન્કિંગ ધરાવતી ફૉરેન યુનિવર્સિટીઓને ભારતમાં કૉલેજ શરૂ કરવાની છૂટ આપવામાં આવશે. યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ના ચૅરમૅન એમ જગદીશ કુમારે કહ્યું હતું કે ‘પ્રાઇમરી હેતુ સ્ટુડન્ટ્સને વધારે ફ્રીડમ અને ચૉઇસ પૂરી પાડવાનો છે. શિક્ષણ નીતિમાં એજ્યુકેશનનું આંતરરાષ્ટ્રીયકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે ભારતના સ્ટુડન્ટ્સને ભારતમાં રહીને ફૉરેન યુનિવ​ર્સિટીઓમાં સ્ટડી કરવાની તક મળશે. એનાથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સને પરવડી શકે એટલા ખર્ચે હાઈ ક્વૉલિટી ઇન્ટરનૅશનલ એજ્યુકેશન મળી શકશે.’
ફૉરેન યુનિવર્સિટીઓની દેશમાં બ્રાન્ચ વિશે જગદીશ કુમારે વધુ કહ્યું હતું કે ‘આ ફૉરેન યુનિવર્સિટીઓ તેમની ઍડ્મિશન પ્રોસેસ, ફૅકલ્ટી અને ટ્યુશન-ફીસ નક્કી કરી શકશે. ભારતીય સ્ટુડન્ટ્સ જ્યારે ફૉરેનમાં ભણવા જતા હોય છે ત્યારે ત્યાં રહેવાનો ખર્ચ ખૂબ જ આવતો હોય છે. હવે જ્યારે ફૉરેન યુનિવર્સિટીઝ અહીં તેમના કૅમ્પસ શરૂ કરશે તો રહેવાનો ખર્ચ ઓછો થઈ જશે. જો ફૉરેન યુનિવર્સિટીઓ ભારતમાં પણ ફૉરેન જેટલી જ ટ્યુશન-ફીસ રાખશે તો પછી આવી યુનિવર્સિટીઓ સ્ટુડન્ટ્સને આકર્ષી નહીં શકે. મને આશા છે કે તેઓ ભારતીય સ્ટુડન્ટ્સને પરવડી શકે એટલી જ ટ્યુશન-ફીસ રાખશે.’

national news Education