27 December, 2023 09:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાજનાથ સિંહે
નવી દિલ્હી : દરિયામાં મર્ચન્ટ જહાજો પરના હુમલાને ભારત સરકાર ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. હવે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘અત્યારે દરિયામાં ઍક્ટિવિટીઝ કંઈક વધી ગઈ છે. ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતથી કેટલીક તાકતોને ઈર્ષ્યા અને દ્વેષ થઈ રહ્યાં છે. અરબી સમુદ્રમાં અત્યારે કેમ પ્લુટો જહાજ પર થયેલા ડ્રોન હુમલા અને એના પહેલાં લાલ સાગરમાં એમવી સાંઈબાબા પર થયેલા હુમલાને ભારત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે. ભારતની નેવીએ દરિયામાં સર્વેલન્સ વધારી દીધું છે, જેમણે પણ આ હુમલા કર્યા છે તેમને અમે દરિયાના પેટાળમાંથી પણ શોધી કાઢીશું અને તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.’
તેમણે વધુ કહ્યું હતું કે ‘સમગ્ર હિન્દ મહાસાગર પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવાની જવાબદારી ભારત નીભાવી રહ્યું છે. ભારત સરકાર ફ્રેન્ડ્લી દેશોની સાથે મળીને કામ કરશે અને આ પ્રદેશમાં દરિયાઈ વેપારની સુરક્ષા સુનિશ્ચિત કરશે.’
ઇઝરાયલ અને હમાસ આતંકવાદી ગ્રુપ વચ્ચેના યુદ્ધની લડાઈની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે અરેબિયન સમુદ્રમાં કમર્શિયલ જહાજો પર હુમલા વધ્યા છે. આ સ્થિતિનો સામનો કરવા માટે ઇન્ડિયન નેવી સજ્જ થઈ રહ્યું છે. નેવીએ દરિયામાં ઍક્ટિવિટીઝ પર ખાસ નજર રાખવા માટે, સંભવિત ખતરાની ઓળખ કરવા તેમ જ જરૂરી માહિતી મેળવવા માટે લાંબી રેન્જના પી-૮૧ પૅટ્રોલ ઍરક્રાફ્ટને તહેનાત કર્યું છે. એ સિવાય કમર્શિયલ જહાજો પર કોઈ જોખમ કે ખતરાનો સામનો કરવા માટે વૉરશિપ્સ આઇએનએસ મોરમુગાઓ, આઇએનએસ કોચી અને આઇએનએસ કલકત્તાને પણ તહેનાત કરી છે.
નોંધપાત્ર છે કે અરેબિયન સમુદ્રમાં ભારતના પશ્ચિમ કાંઠે મર્ચન્ટ જહાજ એમવી કેમ પ્લુટો પર ડ્રોન અટૅક થયો હતો. બાદમાં આ મર્ચન્ટ જહાજ મુંબઈ હાર્બર પર આવ્યા બાદ ઇન્ડિયન નેવીની વિસ્ફોટકોની ઓળખ કરીને એનો નિકાલ કરવામાં એક્સપર્ટ ટીમે એનું ઇન્સ્પેક્શન કર્યું હતું. અદેનની ખાડી અને લાલ સમુદ્રમાં ઈરાનનું પીઠબળ ધરાવતા હુતી બળવાખોરો દ્વારા અનેક કમર્શિયલ જહાજોને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે.
જેને લીધે બાસમતી રાઇસના એક્સપોર્ટર્સ પણ સતર્ક થઈ ગયા છે. કેટલાક એક્સપોર્ટર્સે જણાવ્યું છે કે હુમલાઓ વધતાં કદાચ તેમને રૂટ ચેન્જ કરવાની ફરજ પડશે. વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ ગયા અઠવાડિયામાં હુતિ બળવાખોરોના હુમલાથી સર્જાયેલી સ્થિતિ વિશે બાસમતીના એક્સપોર્ટર્સના એક ડેલિગેશનને જાણ કરી હતી.