પુલવામાના શહીદોની વિધવાઓએ શા માટે કરી ઇચ્છામૃત્યુની માગણી?

06 March, 2023 11:33 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

પોલીસે માર મારવાને કારણે એક શહીદની પત્નીને ઈજા થઈ

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોટ (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)

જયપુર : પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ આર્મી ઑફિસર્સની વિધવાઓ-મંજુ જાટ, સુંદરી દેવી અને મધુબાલા છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સદંતર ઉપેક્ષા કરવામાં આવતી હોવાનું કારણ આગળ ધરીને શનિવારે તેમણે ઇચ્છામૃત્યુ માટે રાજ્યપાલ કલરાજ મિશ્રા પાસેથી પરમિશન માગી હતી.

રાજ્ય સભાના સંસદસભ્ય કિરોડી લાલ મીના પણ તેમને આ વિરોધ પ્રદર્શનની શરૂઆતથી જ સાથ આપી રહ્યા છે.  

આ પણ વાંચો:  પુલવામામાં કાશ્મીરી પંડિતના હત્યારાઓને ઠાર મારવામાં આવ્યા

આ ત્રણ વિધવાઓના લેટરમાં લખવામાં આવ્યું હતું કે ‘અમારા પતિઓએ માતૃભૂમિના રક્ષણ માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. રાજ્ય સરકાર તેમની શહીદીના સન્માનમાં આપવામાં આવેલાં વચનોનું પાલન કરવાને બદલે તેમના પરિવારોનું વારંવાર અપમાન કરી રહી છે.’ 

કિરોડી લાલ મીનાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘વીરાંગના મુખ્ય પ્રધાનને મળવા માટે તેમના નિવાસસ્થાન તરફ પહોંચી ત્યારે પોલીસે તેમને માર માર્યો હતો, જેમાં પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા રોહિતાશ લાંબાની પત્ની વીરાંગના મંજુ જાટને ઈજા થઈ હતી. તેમને સવાઈ માન સિંહ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે.’

national news rajasthan jaipur indian army pulwama district