09 April, 2026 12:37 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં ફાયરબ્રૅન્ડ નેતા ઉમા ભારતી
મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં ફાયરબ્રૅન્ડ નેતા ઉમા ભારતીએ ગઈ કાલે તેમના હોમટાઉન ટિકમગઢમાં ફેરી લગાવીને વ્યવસાય કરતા નાના વેપારીઓ પર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ નોંધાવવા માટે રસ્તા પર પૌંઆ અને જલેબીનું વેચાણ કર્યું હતું. નગરપાલિકાએ અતિક્રમણને હટાવવા માટે કાર્યવાહી કરી હતી જેમાં મંગળવારે રસ્તા પરના સ્ટૉલ હટાવી દેવામાં આવ્યા હતા. ઉમા ભારતીએ પૌંઆ અને જલેબી વેચીને બીજા નાના વેપારીઓને તેમનો વ્યવસાય ચાલુ રાખવા કહ્યું હતું અને પ્રશાસનને અપીલ કરી હતી કે નાના વેપારીઓની રોજી-રોટી છીનવવામાં આવે નહીં. તેઓ તેમના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરશે એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આ મુદ્દે તેમણે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે પણ વાત કરી હતી.