શા માટે ટેલિકૉમ કંપનીઓ ફોનમાં કૉલરનું નામ ડિસ્પ્લે કરવાના પ્રસ્તાવની વિરુદ્ધ છે?

21 January, 2023 10:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેલિકૉમ કંપનીઓએ એના માટે સબસ્ક્રાઇબર્સની પ્રાઇવસી જોખમાવાનું કારણ આપ્યું છે અને સાથે જ જણાવ્યું છે કે કૉલર નેમ પ્રેઝન્ટેશન નામના પ્રસ્તાવનો ટેક્નિકલ દૃષ્ટિએ પણ અમલ કરવો મુશ્કેલ રહેશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

નવી દિલ્હી : ટેલિકૉમ કંપનીઓએ ફોન્સમાં કૉલરનું નામ ડિસ્પ્લે કરવાના ટ્રાય (ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ના એક પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. આ કંપનીઓનું કહેવું છે કે આ પ્રસ્તાવથી યુઝર્સની પ્રાઇવસી જોખમાઈ શકે છે. વળી, કૉલર નેમ પ્રેઝન્ટેશન નામના પ્રસ્તાવનો ટેક્નિકલ દૃષ્ટિએ પણ અમલ કરવો મુશ્કેલ રહેશે, કેમ કે ભારતના માર્કેટમાં રહેલા અનેક ફોન્સ કદાચ એને સપોર્ટ નહીં કરી શકે.

ટ્રુ કૉલર પહેલાંથી જ ક્રાઉડસૉર્સિંગ મૉડલથી એ જ પ્રકારની સર્વિસ પૂરી પાડી રહી છે. ટ્રુ કૉલર કહે છે કે ભારતમાં અનેક લોકો બનાવટી આઇડન્ટિટી કાર્ડ્સ દ્વારા સિમ કાર્ડ્સ ખરીદે છે એટલે કૉલરનાં નામ ડિસ્પ્લે કરવા માટેની સિમ રજિસ્ટ્રેશન ડેટાનો ઉપયોગ કરવાનો ટ્રાયનો પ્રસ્તાવ ખામીયુક્ત છે.  

ટ્રાયે ગયા વર્ષના નવેમ્બરમાં કૉલર નેમ પ્રેઝન્ટેશન વિશે અભિપ્રાયો મગાવ્યા હતા. આ ફીચરથી યુઝર્સ તેમને કૉલ કરનારી વ્યક્તિઓની ઓળખ જાણી શકશે, જેનાથી તેઓ સારી રીતે નિર્ણય લઈ શકશે કે કૉલ રિસીવ કરવો કે નહીં. આ ફીચરથી હૅરૅસમેન્ટ અને સ્પામ કૉલ્સથી પણ છૂટકારો મળી શકે છે.

અત્યારે ટ્રુ કૉલર જેવી કેટલીક ઍપ્લિકેશન્સ છે. જોકે એ થર્ડ-પાર્ટી ઍપ્સ છે અને એ ક્રાઉડ-સૉર્સ્ડ ડેટા પર નિર્ભર છે. ટેલિકૉમ કંપનીઓએ ભેગા મળીને કોઈ સૉલ્યુશન પૂરું પાડ્યું નથી.  
સેલ્યુલર ઑપરેટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ ટ્રાયને રજૂઆત કરી હતી કે આ પ્રસ્તાવથી સમગ્ર દેશના સબસ્ક્રાઇબર્સની માહિતીની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.

ટેલિકૉમ કંપનીઓ અનુસાર બીજો સૌથી મોટો પડકાર એ છે કે તમામ હૅન્ડસેટ્સ કૉલર નેમ પ્રેઝન્ટેશન ફંક્શનાલિટીઝને સપોર્ટ કરે એમ નથી. 4G નેટવર્ક્સ પર કામ કરતા સ્માર્ટ ફીચર ફોન્સ પણ આ ફીચરને સપોર્ટ કરતા નથી. 

national news india