29 July, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ દાસ અને અભિજિત દીપકે
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અભિજિત દીપકે અને સૌરવ દાસે સરકાર સામે આકરો આક્રોશ વ્યક્ત કર્યો: ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અને અગાઉ કોઈ ક્રિમિનલ રેકૉર્ડ ન હોય એવા લોકોને જ છોડવાના આદેશનો વિરોધ
વિદ્યાર્થી આંદોલન વિશે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અંતરિમ આદેશ બાદ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ સરકાર સામે આકરું વલણ અપનાવ્યું છે. પક્ષના સ્થાપક અભિજિત દીપકેએ ચેતવણી આપી છે કે જો આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું અને પોલીસ દ્વારા પરેશાન કરવાનું બંધ કરવામાં નહીં આવે તો તેઓ ફરી એક વાર દેશભરમાં મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન શરૂ કરશે.
અભિજિત દીપકેએ સોશ્યલ મીડિયા પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓ સામે બદલાલક્ષી કાર્યવાહી તરત અટકાવવી જોઈએ. બીજી તરફ CJPના નેતા સૌરવ દાસે કહ્યું હતું કે ૨૫ જુલાઈએ સરકારે દેશના યુવાનોને તમામ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પાછા ખેંચવાની ખાતરી આપી હતી.
સૌરવ દાસે વધુમાં ઉમેર્યું હતું કે ‘આસામ અને બિહાર સરકારની જેમ અન્ય રાજ્યોએ પણ વિદ્યાર્થીઓ સામેના કેસ રદ કરવા જોઈએ. જો સરકાર પોતાનું વચન તોડશે તો યુવાનો ફરીથી દેશના રસ્તાઓ પર ઊતરી આવવા મજબૂર બનશે.’
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અને અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા હોય એવા તમામ વિદ્યાર્થીઓને તત્કાળ છોડી દેવાનો સરકારને નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે CJPની માગણી છે કે પ્રદર્શનમાં આવેલા બધા લોકોમાંથી કોઈની પણ વિરુદ્ધ ગુનો દાખલ થયો હોય તો એ પાછો ખેંચવામાં આવે. અનેક એવાં રાજ્યો છે જેઓ આંદોલનમાં જોડાયેલા લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં હજી પણ ઉઠાવી રહ્યાં છે ત્યારે આ મામલો ભારે વિવાદિત અને ગૂંચવાડાભર્યો બન્યો છે.