25 September, 2026 02:36 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં સૌરવ દાસ અને આશુતોષ રાંકા સાથે અભિજિત દીપકે.
દેશમાં મતદારયાદીમાંથી કરોડો નામ ગાયબ થઈ જવાના મુદ્દે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ ગુરુવારે નવી દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજીને મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારને ૪૮ કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો તેઓ રાજીનામું નહીં આપે તો દેશભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
અભિજિત દીપકેએ આક્ષેપ કર્યો હતો કે ‘સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિશેના તાજેતરના રિપોર્ટથી સાબિત થાય છે કે મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર દેશના સૌથી મોટા ગદ્દાર છે. જ્ઞાનેશ કુમારે લોકશાહીને સરમુખત્યારશાહીમાં ફેરવી નાખી છે અને હવે જનતા નહીં પરંતુ સરકાર નક્કી કરે છે કે કોણ વોટ આપશે અને કોણ નહીં આપે અને કોની સરકાર બનશે. તેમણે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના નામે દેશભરમાંથી ૧૩ કરોડથી વધુ લોકોનાં નામ ડિલીટ કરીને તેમનો જન્મજાત મતાધિકાર છીનવી લીધો છે. ૨૦૨૪ની ચૂંટણીમાં BJP બહુમતી ન મેળવી શકતાં વિપક્ષી નેતાઓને હરાવવા માટે આ ષડ્યંત્ર રચાયું હતું. મમતા બૅનરજી, એમ. કે. સ્ટૅલિન અને અરવિંદ કેજરીવાલ જેવા મજબૂત નેતાઓની બેઠકો પરથી જ હજારો વોટ ડિલીટ કરવામાં આવ્યા છે.’
CJPના સ્થાપક અભિજિત દીપકેએ આંકડાઓ ટાંકીને દાવો કર્યો છે કે મમતા બૅનરજીના વિસ્તારમાંથી ૫૧,૦૦૦ વોટ, એમ. કે. સ્ટૅલિનના વિસ્તારમાંથી એક લાખ વોટ અને અરવિંદ કેજરીવાલના વિસ્તારમાંથી ૪૦,૦૦૦ વોટ ગેરકાયદે રીતે કાઢી નાખવામાં આવ્યા અને આ તમામ નેતાઓ એની આસપાસના માર્જિનથી જ હારી ગયાં. આ કો-ઇન્સિડન્સ છે કે પછી ચૂંટણીપંચ કોઈ ચોક્કસ પાર્ટી માટે વિપક્ષને ખતમ કરવાના વ્યાપક કાવતરામાં એક હથિયાર સ્વરૂપે કામ કરે છે એવો સવાલ અભિજિત દીપકેએ કર્યો હતો.
અભિજિત દીપકેએ વધુમાં ઉમેર્યું હતું કે ‘મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં સરકારો પાડી દેવી, ગોવામાં વિધાનસભ્યો ખરીદવા અને મહારાષ્ટ્રમાં શિવસેના તથા NCP જેવી પાર્ટીઓ તોડવી એ પણ આ ષડયંત્રનો જ હિસ્સો છે. ચૂંટણીપંચે શાસક પક્ષ BJP સત્તામાં જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવા જ આ તમામ ગેરરીતિઓ આચરી છે.’
તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં પણ ઘટસ્ફોટ થયો હતો કે ચૂંટણી-કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં SIR પ્રક્રિયા વિશે ૧૪ વખત લેખિત વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમની અવગણના કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડનો હેતુ લોકશાહીમાં મજબૂત વિપક્ષને ખતમ કરવાનો હોવાનો આક્ષેપ CJP દ્વારા કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને તાજના સાક્ષી બનીને નરેન્દ્ર મોદી અને અમિત શાહની પોલ ખોલવાની અપીલ કરી
કહ્યું કે યુદ્ધ જીત્યા પછી પણ ઇન્દિરા ગાંધીને સરકારવિરોધી લહેર નડી હતી તો આ લોકોને એ કેમ નથી નડતી?
કૉન્ગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકાર પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો છે કે દેશમાં વોટનો નાશ કરીને બંધારણીય વ્યવસ્થા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પત્રકાર-પરિષદમાં રાહુલ ગાંધીએ ચોંકાવનારા દાવા કર્યા હતા.
રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને અપ્રૂવર એટલે કે તાજના સાક્ષી બની જવાની અપીલ કરીને અમિત શાહ તથા વડા પ્રધાનની ભૂમિકા ખુલ્લી પાડવાની અપીલ કરવાની સાથે દેશ સાથે ગદ્દારી ન કરવા માટેની અપીલ કરી હતી. તેમણે સમગ્ર મામલે તપાસની માગણી દોહરાવી હતી.
પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલે શું-શું કહ્યું...
સરકારવિરોધી લહેર ગાયબ : ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સામે બંગલાદેશને સ્વતંત્રતા અપાવતું યુદ્ધ જીત્યા પછી પણ સરકારવિરોધી લહેર દેખાઈ હતી તો પછી લાંબા સમયથી સત્તામાં હોવા છતાં નરેન્દ્ર મોદી અને BJP સામે હરિયાણા કે મધ્ય પ્રદેશમાં સરકારવિરોધી લહેર કેમ જોવા મળી નહોતી?
સંસ્થાઓની ચોરી : દેશમાં માત્ર વોટની ચોરી નથી થઈ. વોટ ચોરીને કાયદા ચોરાયા અને ત્યાર બાદ શિક્ષણવ્યવસ્થા તથા ન્યાયતંત્રમાં RSSના માણસો ભરીને સંસ્થાઓની ચોરી કરવામાં આવી હતી.
નવો કાયદો : ડિસેમ્બર ૨૦૨૩માં કાયદો બનાવીને મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારને કાનૂની કાર્યવાહીથી મુક્તિ અપાઈ કારણ કે તેઓ સરકાર માટે કામ કરી રહ્યા હતા.
નિમણૂકમાં ગેરરીતિ : વિપક્ષે જ્ઞાનેશ કુમારની નિમણૂક સામે લેખિત વાંધો (ડિસેન્ટ નોટ) ઉઠાવ્યો હતો છતાં વડા પ્રધાન અને ગૃહપ્રધાનના દબાણથી તેમને પસંદ કરાયા.
૧૪ વાંધા : બે ચૂંટણી-કમિશનરોએ ૧૦ મહિનામાં ૧૪ વખત વાંધો ઉઠાવ્યો છે જે મોટા ષડ્યંત્રનો પુરાવો છે.
જ્ઞાનેશ કુમારની ધરપકડની માગણી સાથે
કૉન્ગ્રેસની દેશભરમાં ઉગ્ર આંદોલનની જાહેરાત
ચૂંટણીપંચમાં મતદારયાદી સુધારણાના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે ચાલી રહેલા આંતરિક વિવાદે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. કૉન્ગ્રેસે મુખ્ય
ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારની તાત્કાલિક ધરપકડ અને હકાલપટ્ટીની માગણી સાથે દેશવ્યાપી ઉગ્ર આંદોલન છેડવાની જાહેરાત કરી હતી.
કૉન્ગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે ‘પચીસ સપ્ટેમ્બરે તમામ પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (PCC) પોતાના રાજ્યના ચૂંટણીપંચની કચેરીઓ સુધી વિશાળ વિરોધકૂચ કરશે. ત્યાર બાદ બીજા તબક્કામાં ૨૮ સપ્ટેમ્બરે તમામ જિલ્લા કૉન્ગ્રેસ કમિટી (DCC) જિલ્લા કલેક્ટર કચેરીઓ સુધી દેખાવો કરશે.’
વેણુગોપાલે સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનેશ કુમારની હકાલપટ્ટી અને તેમણે લીધેલા તમામ નિર્ણયો રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં.