25 June, 2025 08:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નહેરમાં ડૂબી રહેલી મહિન્દ્ર થાર રૉક્સ કારમાં ફસાયેલી ત્રણ મહિલાઓને બચાવી લેનારા બે યુવાનોનો વિડિયો સોશ્યલ મીડિયામાં જોરદાર વાઇરલ
એક નહેરમાં ડૂબી રહેલી મહિન્દ્ર થાર રૉક્સ કારમાં ફસાયેલી ત્રણ મહિલાઓને બચાવી લેનારા બે યુવાનોનો વિડિયો સોશ્યલ મીડિયામાં જોરદાર વાઇરલ થયો છે. આ ઘટના ક્યાંની છે એની માહિતી નથી મળી પણ લોકો આ બે યુવાનોની હિંમતનાં વખાણ કરી રહ્યા છે. લોકો તેમને સાચા હીરો ગણાવી રહ્યા છે. તેઓ આ પરિવાર માટે દેવદૂત બનીને આવ્યા હતા.
આ વિડિયો બે યુવાનોમાંથી એક સાથે શરૂ થાય છે જે થાર રૉક્સના પાછળના જમણી તરફના ક્વૉર્ટર પૅનલ પર ઊભો છે. ટૂંકી ક્લિપમાં દેખાય છે એમ અડધી ડૂબી ગયેલી થાર રૉક્સની બાજુમાં ઊભેલા પહેલા યુવાને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે એ નિષ્ફળ ગયો ત્યારે તેણે તરત જ પોતાના જમણા પગનો ફટકો મારીને બારી તોડી નાખી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે આ યુવાને બારી પર લાત મારી ત્યારે તે ઉઘાડા પગે હતો. એ પછી બીજો યુવાન થાર રૉક્સના પાછળની ક્વૉર્ટર પૅનલ પર ઊભો છે અને તે પાછળનો જમણો દરવાજો પણ ખોલવાનો પ્રયાસ કરે છે. તેઓ દરવાજાથી દૂર ગયા અને એ ખોલવામાં સફળ રહ્યા. ત્યાર બાદ તેઓ વાહનમાંથી પાછળની સીટ પર બેઠેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરે છે. પહેલાં એક નાની બાળકીને વાહનમાંથી બહાર કાઢવામાં આવી હતી અને પછી તેને નહેરની બાજુમાં રહેલા લોકોને સોંપી દીધી હતી. ત્યાર બાદ બે યુવાનોએ પાછળ બેઠેલી અન્ય મહિલા મુસાફરોને બચાવવાનું શરૂ કર્યું હતું.
આ ઘટનાનો સંપૂર્ણ વિડિયો નથી અને વાહનની અંદરના બધા લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા કે નહીં એની પણ જાણ થતી નથી. ઉપરાંત થાર રૉક્સ નહેરની અંદર કેવી રીતે ગઈ એ જાણી શકાયું નથી.