13 August, 2025 09:09 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરમાં નમ્મા મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા ત્યારે પાંચ વર્ષની બાળકીએ મોદીને સંબોધીને લખેલો એક પત્ર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો
બૅન્ગલોરની ટ્રાફિક અને માળખાકીય સમસ્યાઓ વિશે પાંચ વર્ષની બાળકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલો એક પત્ર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. પાંચ વર્ષની બાળકીએ આ પત્રમાં વડા પ્રધાન પાસે આ સમસ્યાનો ઉકેલ કાઢવામાં મદદ માગી છે. નરેન્દ્ર મોદી રવિવારે ૧૦ ઑગસ્ટે બૅન્ગલોરમાં નમ્મા મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા એ નિમિત્તે બાળકીએ આ પત્ર લખ્યો હતો.
બૅન્ગલોર રહેતા બાળકીના પિતા અભિરૂપ ચૅટરજીએ આ પત્ર શૅર કર્યો હતો જેમાં કૅપ્શન લખાઈ હતી, ‘વડા પ્રધાન બૅન્ગલોરની મુલાકાત લઈ રહ્યા છે. મારી પાંચ વર્ષની દીકરી એને ટ્રાફિક સુધારવાની તક તરીકે જુએ છે.’
બાળકીના પત્રમાં બૅન્ગલોરની મુખ્ય સમસ્યાને સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીજી, અહીં ખૂબ ટ્રાફિક છે. અમે સ્કૂલ અને ઑફિસમાં મોડાં પહોંચીએ છીએ. રસ્તો ખૂબ ખરાબ છે. કૃપા કરીને મદદ કરશો.’