11 August, 2025 12:31 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરના કે. એસ. આર. રેલવે સ્ટેશન પરથી તેમણે બૅન્ગલોરથી બેલગાવી ટ્રેનને લીલી ઝંડી આપી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એકસાથે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઝંડી આપી હતી. બૅન્ગલોરના કે. એસ. આર. રેલવે સ્ટેશન પરથી તેમણે બૅન્ગલોરથી બેલગાવી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ સાથે જ અમ્રિતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની)થી પુણે સુધીની ટ્રેનોનો વર્ચ્યુઅલ સમાવેશ થાય છે.
નાગપુર–પુણે વંદે ભારત ટ્રેનનું ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના અજની રેલવે-સ્ટેશનથી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને અન્ય મહાનુભાવો હતા.
દેવેન્દ્ર ફડણવીસે કોચમાં બેસીને સ્કૂલના સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરી હતી અને તેમને ઑટોગ્રાફ પણ આપ્યા હતા.
અમ્રિતસરથી કટરાની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન થકી પાંચ કલાકમાં ગોલ્ડન ટેમ્પલથી વૈષ્ણોદેવી જઈ શકાશે. એ ટ્રેન બે મહત્ત્વનાં તીર્થધામોને જોડશે જેનાથી રિલિજિયસ ટૂરિઝમને પ્રોત્સાહન મળશે.