ઉત્તરાખંડમાં ગ્લૅસિયર તૂટવાથી મરણાંક વધીને ૮ થયો

03 March, 2025 11:09 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

ગુમ થયેલા ચાર વર્કરની ડેડ-બૉડી પણ મળી આવી

ગઈ કાલે રેસ્ક્યુ ઑપરેશન કરી રહેલા ITBPના જવાનો.

શુક્રવારે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લૅસિયર તૂટી પડવાથી થયેલી દુર્ઘટનામાં મરણાંક વધીને ૮ થયો છે. ગુમ થયેલા વધુ ચાર મજૂરોની ડેડ-બૉડી ગઈ કાલે બપોરે મળી આવી હતી.

બદરીનાથ મંદિરથી પાંચ કિલોમીટર દૂર માણા ગામમાં બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (BRO)ની લેબર સાઇટ પર ગ્લૅસિયર તૂટી પડી હતી જેમાં આઠ કન્ટેનરોમાં કુલ ૫૪ મજૂરો ફસાયા હતા. ૩૫ જણને શુક્રવારે રાત સુધીમાં બચાવી લેવામાં આવ્યા હતા. શનિવારે વધુ ૧૭ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર વર્કરોનાં ઉપચાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં.

બરફનો પહાડ ધસી આવ્યો
માણા પાસે કામ કરતા મનોજ ભંડારી નામના વર્કરે જણાવ્યું હતું કે ‘પહાડ પરથી બરફ નીચે આવી રહ્યો હતો ત્યારે હું જાગ્યો હતો અને મેં લોકોને જીવ બચાવવા માટે ભાગવા કહ્યું હતું. હું લોડર મશીનની પાછળ સંતાઈ ગયો હતો.’

ગોપાલ જોશી નામના વર્કરે કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાય દિવસથી વેધર ખરાબ હતી અને બરફનો પહાડ પડતાં અમે ભાગવાનું શરૂ કર્યું હતું પણ એમાં ફસાઈ ગયા હતા. ૧૫ મિનિટ બાદ અમને બચાવી લેવામાં આવ્યા હતા.

uttarakhand badrinath news national news