વાદળ ફાટવાથી મકાન ધરાશાયી થઈ ગયું, આ શિવભક્ત ૧૬ કલાક બાદ કાટમાળમાંથી જીવતો નીકળ્યો

20 September, 2025 09:02 AM IST  |  Chamoli | Gujarati Mid-day Correspondent

લગભગ ૧૫ કલાક પછી તેમણે કોઈના બચવાની આશા છોડી દીધી હતી ત્યારે અચાનક જ તેમને કાટમાળની અંદરથી કોઈકનો અવાજ આવતો હોય એવું લાગ્યું

તેની ઓળખ કુંવર સિંહ તરીકે થઈ હતી

ઉત્તરાખંડના ચમોલીના નંદાનગરમાં ગુરુવારે વહેલી સવારે વાદળ ફાટતાં અનેક ઘરો અને દુકાનો પત્તાંના મહેલની જેમ તૂટીને વહી ગયાં હતાં. એમાં ફાલી ગામમાં ૪૨ વર્ષનો કુંવર સિંહ તેના પરિવાર સાથે ગાયબ થઈ ગયો હતો. કુંવર‌ સિંહનું મકાન પણ તૂટી ગયું હતું. કાટમાળ પણ પાણીમાં ક્યાંય સુધી તણાયો હતો. એવામાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (SDRF)ની રેસ્ક્યુ ટીમ ફસાયેલા અને ગાયબ લોકોની તલાશમાં લાગી હતી.

લગભગ ૧૫ કલાક પછી તેમણે કોઈના બચવાની આશા છોડી દીધી હતી ત્યારે અચાનક જ તેમને કાટમાળની અંદરથી કોઈકનો અવાજ આવતો હોય એવું લાગ્યું. NDRFની ટીમે ઝડપ કરીને જ્યાંથી અવાજ આવતો હતો ત્યાંથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. સાંજે પાંચ વાગ્યે તેમણે કાટમાળના ઢેરમાં બાકોરું કરીને જોયું તો અંદર એક વ્યક્તિ જીવતી હતી. તેને બહાર કાઢતાં લગભગ ૧૬ કલાક થઈ ગયા હતા.

તેની ઓળખ કુંવર સિંહ તરીકે થઈ હતી. તેની પત્ની અને બે બાળકો હજી ગુમ છે. જ્યારથી કાટમાળમાંથી બહાર આવ્યો છે ત્યારથી કુંવર સિંહ મહાદેવજીનું નામ રટી રહ્યો છે. તે એટલો ડરી ગયો છે કે બીજું કંઈ જ બોલવાની સ્થિતિમાં નથી. 

floods in india uttarakhand