અયોધ્યાના રામમંદિરમાં જવાનની આત્મહત્યા કે પછી આકસ્મિક મોત?

20 June, 2024 01:58 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

બુધવારે સવારે બનેલી આ ઘટનામાં સ્પેશ્યલ સિક્યૉરિટી ફોર્સના શત્રુઘ્ન વિશ્વકર્માનો પોતાની જ બંદૂકની ગોળીએ જીવ લીધો

જવાન શત્રુઘ્ન વિશ્વકર્મા

અયોધ્યાના રામમંદિરમાં ડ્યુટી પર હાજર એક જવાનનું બુધવારે સવારે સાડાપાંચ વાગ્યે ગોળી વાગવાને લીધે મૃત્યુ થયું હતું. મંદિર પરિસરમાં અચાનક જ ગોળીનો અવાજ આવતાં સાથી સુરક્ષા-કર્મચારીઓએ ત્યાં જઈને જોયું તો સ્પેશ્યલ સિક્યૉરિટી ફોર્સ (SSF)ના શત્રુઘ્ન વિશ્વકર્માને ગોળી વાગી હતી. તરત જ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પણ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. શત્રુઘ્ન વિશ્વકર્મા આ ઘટના બની એ પહેલાં મોબાઇલમાં કંઈક જોઈ રહ્યો હતો. તે થોડા દિવસથી પરેશાન હોવાનું તેના સાથીઓનું કહેવું છે.

શરૂઆતની તપાસ પરથી પોલીસ આ આત્મહત્યા છે કે અકસ્માત એ નિષ્કર્ષ પર નથી આવી શકી.

પોલીસનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ અને વધુ તપાસ કર્યા બાદ ગોળી કેવી રીતે ચાલી એ સ્પષ્ટ થઈ શકશે.

માર્ચ મહિનામાં પણ પ્રોવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી (PAC)ના એક જવાન રામ પ્રસાદનું રહસ્યમય સંજોગોમાં બંદૂકની ગોળી લાગવાથી અયોધ્યાના રામમંદિરમાં મૃત્યુ થયું હતું.

ayodhya ram mandir uttar pradesh national news