08 August, 2026 11:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
લોકસભાએ ગુરુવારે ટૅક્સેશન ઍન્ડ અધર લૉઝ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૬ પસાર કર્યું હતું જે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નક્કી કરવા માટે માર્ગ મોકળો કરી શકે છે. MDR એ એવી ફી છે જે બિઝનેસધારકો બૅન્કો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરોને ડિજિટલ વ્યવહારોની પ્રક્રિયા માટે ચૂકવે છે. પ્રસ્તાવમાં UPIનો ઉપયોગ કરવા માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરવાનો સમાવેશ થતો નથી.
હવે આ બિલ રાજ્યસભામાં જશે. સંસદમાં પસાર થયા પછી આ બિલને કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી મળશે. આનાથી સરકારને UPI પર MDR વસૂલતી ગૅઝેટ સૂચના બહાર પાડવામાં મદદ મળશે. આ બિલ પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટ, ૨૦૦૭માં 10A જોગવાઈમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી સરકાર દ્વારા સૂચિત ડિજિટલ ચુકવણીઓ પર કોઈ પણ બૅન્ક અથવા સિસ્ટમ પ્રોવાઇડર કોઈ પણ ફી લાદશે નહીં એ સંદર્ભને દૂર કરી શકાય.
દેશભરમાં ડિજિટલ પેમેન્ટ અપનાવવાને વેગ આપવા માટે સરકારે ૨૦૨૦થી શૂન્ય-MDR રેટ રાખ્યો છે, પણ હવે UPI અને રુપે (RuPay) ડેબિટ કાર્ડ વ્યવહારોમાં ભવિષ્યમાં ચાર્જ લેવામાં આવી શકે છે. મોટા વેપારીઓ માટે સરકાર હાઈ-વૅલ્યુ ટ્રાન્ઝૅક્શન પર ૦.૨૫ ટકાથી ૦.૩૦ ટકાની રેન્જમાં MDR લાદે એવી શક્યતા છે. આજે દેશમાં લગભગ ૮૮ ટકા ડિજિટલ વ્યવહારો UPI દ્વારા થાય છે, જે દર મહિને લગભગ ૩૦ લાખ કરોડ રૂપિયાના ૨૩ અબજથી વધુ વ્યવહારો છે.