02 June, 2026 07:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને મે ૨૦૨૬માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)એ એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ના ડેટા અનુસાર મે મહિનામાં UPI દ્વારા ૨૯.૯૦ લાખ કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા. કુલ વ્યવહારોની સંખ્યા ૨૩.૨ અબજ સુધી પહોંચી ગઈ હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. એપ્રિલમાં આ આંકડો ૨૯.૦૩ લાખ કરોડ રૂપિયા હતો, જ્યારે એક વર્ષ પહેલાં મે મહિનામાં કુલ વ્યવહાર-મૂલ્ય ૨૫.૧૪ લાખ કરોડ રૂપિયાનું હતું. આ વાર્ષિક ધોરણે આશરે ૧૯ ટકાનો વધારો દર્શાવે છે.
ઉનાળાની રજાઓ, મુસાફરીમાં વધારો અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમ્યાન ખર્ચમાં વધારાએ આ રેકૉર્ડ હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લોકોએ ટિકિટ-બુકિંગ, હોટેલ, ખોરાક અને ઑનલાઇન શૉપિંગ સહિત વિવિધ હેતુઓ માટે UPIનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. આના કારણે મે મહિનામાં રેકૉર્ડબ્રેક ટ્રાન્ઝૅક્શન વૉલ્યુમ અને મૂલ્યમાં વધારો થયો હતો. નિષ્ણાતો માને છે કે ડિજિટલ પેમેન્ટમાં આ ગતિ આગામી મહિનાઓમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. UPI હવે ભારત પૂરતું મર્યાદિત નથી અને સંયુક્ત આરબ એમિરેટ્સ, સિંગાપોર, ભૂતાન, નેપાલ અને મૉરિશ્યસ સહિત ઘણા દેશોમાં ઉપલબ્ધ છે.
ભારતમાં મે મહિનામાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું કલેક્શન વાર્ષિક ધોરણે ૩.૨ ટકા વધીને ૧,૯૪,૧૯૪ કરોડ રૂપિયા થયું છે. રીફન્ડનો હિસાબ કર્યા પછી ચોખ્ખી GST આવક એક વર્ષ અગાઉની તુલનામાં ૩.૩ ટકા વધીને ૧,૬૬,૯૦૪ કરોડ રૂપિયા થઈ હતી. નોંધપાત્ર રીતે એપ્રિલ ૨૦૨૬માં GST કલેક્શન ૨.૪૩ લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ બે મહિના (એપ્રિલ અને મે) માટે સત્તાવાર ડેટા દર્શાવે છે કે કુલ GST કલેક્શન વાર્ષિક ધોરણે ૬.૨ ટકા વધીને ૪.૩૭ લાખ કરોડ રૂપિયા થયું છે. સત્તાવાર ડેટા મુજબ મે મહિનામાં આયાતમાંથી કલેક્શન વાર્ષિક ધોરણે ૧૯.૧ ટકા વધીને ૫૯,૬૫૪ કરોડ રૂપિયા થયું છે, પરંતુ સ્થાનિક વ્યવહારોમાંથી કલેક્શન વાર્ષિક ધોરણે ૨.૬ ટકા ઘટીને ૧.૩૫ લાખ કરોડ રૂપિયા થયું છે.
ભારતીય રૂપિયો ગઈ કાલે અમેરિકન ડૉલર સામે ૩ પૈસા મજબૂત થઈને ૯૪.૯૭ રૂપિયાના સ્તરે ખૂલ્યો હતો. આ પહેલાં રૂપિયો ડૉલર સામે ૯૫ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ તેલની કિંમતમાં વધારો અને વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોના આઉટફ્લોથી માર્કેટના સેન્ટિમેન્ટને અસર પડી હતી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૨.૫ ટકા વધીને ૯૩.૪ ડૉલર થતાં એશિયન કરન્સી પર દબાણ આવ્યું હતું. શુક્રવારે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ આશરે બે અબજ ડૉલરના શૅર વેચ્યા હતા.