05 September, 2025 09:54 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ધરપકડથી બચવા માટે સમાજવાદી પાર્ટીના નેતા માળિયે ગાદલામાં લપાયા: પોલીસે નીચે ખેંચી પકડી પાડ્યા
સમાજવાદી પાર્ટીના એક નેતાની ઉત્તર પ્રદેશ પોલીસે નાટ્યાત્મક રીતે ધરપકડ કરી હતી. આ આખી ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.
ઉત્તર પ્રદેશના કનૌજમાં રહેતા કૈસ ખાન સામે અનેક ગુના દાખલ છે. તાજેતરની કાર્યવાહીમાં તેને ગુંડા ઍક્ટ હેઠળ જિલ્લાની બહાર કરવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી પછી જિલ્લા મૅજિસ્ટ્રેટ દ્વારા કૈસ ખાન પર છ મહિના માટે કનૌજ જિલ્લામાં પ્રવેશવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ૨૮ જુલાઈએ આ આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી કૈસ ખાન દેખાયો નહોતો.
જોકે બુધવારે પોલીસને કૈસ ખાન જિલ્લામાં જ ફરતો હોવાના ખબર મળતાં તે કૈસ ખાનના ઘરે પહોંચી હતી અને તલાશી લીધી હતી. જોકે તેનો કોઈ પત્તો નહોતો મળ્યો. પછી પોલીસે તેના ભાઈના ઘરની પણ તલાશી લીધી હતી. ત્યાં પણ તે પહેલાં તો ક્યાંય દેખાઈ નહોતો રહ્યો. જોકે પોલીસે પડદાથી ઢાંકેલા માળિયાનો પડદો દૂર કરીને તેને પકડી પાડ્યો હતો. કૈસ ખાન માળિયા પર ગાદલું પાથરી પડદો લટકાવીને છુપાઈને આરામથી સૂતો હતો. પોલીસને જોઈ હેબતાઈ ગયા પછી તે કંઈ કરે એ પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી.
કૈસ ખાન સામે અનેક ગુનાના કેસ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે તેનો મૅરેજ હૉલ બુલડોઝર ચલાવીને તોડી પાડ્યો હતો. ૨૫ જુલાઈએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કનૌજ આવ્યા ત્યારે કૈસ ખાનના ઘરે ગયા હતા અને તેને મળ્યા હતા. ત્યાર બાદ ૨૮ જુલાઈએ તેને જિલ્લામાંથી બહાર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.