21 February, 2026 09:49 AM IST | Banda | Gujarati Mid-day Correspondent
રામભવન
ઉત્તર પ્રદેશમાં બાંદા કોર્ટે એક પતિ-પત્નીને બાળકોનું જાતીય શોષણ કરવા બદલ ફાંસીની સજા ફટકારી હતી. આ દંપતી ડાર્ક વેબ દ્વારા વિદેશોમાં બાળકોના અશ્ળીલ વિડિયો અને ફોટો વેચતું હતું. જે નિર્દોષ બાળકો ક્રૂરતાનાં સૌથી આત્યંતિક સ્વરૂપોનો ભોગ બન્યાં હતાં તેમને ન્યાય મળ્યો છે.
બાંદાનો રહેવાસી રામભવન ચિત્રકૂટમાં સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે પોસ્ટેડ હતો. તે તેની પત્ની દુર્ગાવતી સાથે મળીને ગરીબ પરિવારોનાં બાળકોને પોતાની જાળમાં ફસાવતો હતો. સાથે મળીને તેમણે સગીરો પર બળાત્કાર કર્યો હતો. બાળકો પાંચથી ૧૬ વર્ષની ઉંમરનાં હતાં. તેની પત્ની બાળકો સાથે જાતીય સંભોગ કરતી હતી, જ્યારે રામભવન તેમના પર બળાત્કાર કરતો હતો. વધુમાં બન્ને તેમના લૅપટૉપ કૅમેરાનો ઉપયોગ કરીને બાળકોના અશ્લીલ વિડિયો પણ બનાવતાં હતાં.
બાળકો પર અત્યાચારની ફરિયાદ મળતાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ૨૦૨૦ની ૩૧ ઑક્ટોબરે રામભવન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેના પર આરોપ હતો કે તેણે બાળકોના અશ્ળીલ વિડિયો અને ફોટો બનાવ્યા હતા અને એને ડાર્ક વેબ દ્વારા આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં વેચ્યા હતા. ૨૦૨૦ની ૧૮ નવેમ્બરે CBIએ રામભવન અને તેની પત્ની દુર્ગાવતીની ધરપકડ કરી હતી.
પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કોર્ટના ન્યાયાધીશ પ્રદીપ કુમાર મિશ્રાએ ચુકાદો આપ્યો કે પતિ-પત્ની બન્નેને તેઓ મરી જાય નહીં ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવામાં આવે. કોર્ટે આ વર્ષે ૧૮ ફેબ્રુઆરીએ તેમને દોષી ઠેરવ્યાં હતાં. દુર્ગામતીને સમાધાન કરવા માટે સાક્ષીઓ પર દબાણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી.
ધરપકડ વખતે એન્જિનિયર ૪૦ વર્ષથી ઓછી ઉંમરનો હતો. જ્યારે CBIએ આરોપીઓનાં ઘરોની તપાસ કરી ત્યારે તેમને ૮ લાખ રૂપિયા રોકડા, મોબાઇલ ફોન, લૅપટૉપ, વેબ કૅમેરા, પેનડ્રાઇવ અને મેમરી કાર્ડ સહિત ઇલેક્ટ્રૉનિક સ્ટોરેજ ડિવાઇસ અને રમકડાં મળી આવ્યાં હતાં. પેનડ્રાઇવમાં બાળકોના ૩૪ વિડિયો અને ૬૭૯ ફોટો હતા. આરોપીની ઈ-મેઇલની તપાસમાં જાણવા મળ્યું કે તે બાળકોને લગતી જાતીય શોષણ સામગ્રી શૅર કરવાના હેતુથી ઘણા ભારતીય અને વિદેશી નાગરિકોના સંપર્કમાં હતો. આરોપીએ ડાર્ક નેટ સહિત ઇન્ટરનેટ પર વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અને વેબસાઇટ્સનો ઉપયોગ કરીને મોટી માત્રામાં આવી સામગ્રી બનાવીને શૅર કરી હતી.
ધરપકડના ૮૮ દિવસ પછી ફેબ્રુઆરી ૨૦૨૧માં CBIએ બાંદા કોર્ટમાં ૭૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. CBI ટીમે ચારથી ૪૨ વર્ષની વયની વ્યક્તિઓનાં નિવેદનો નોંધ્યાં હતાં. આ કેસમાં બાળકોનો સમાવેશ થતો હોવાથી CBIએ POCSO કોર્ટમાં ટ્રાયલ હાથ ધરી હતી. CBIએ POCSO કોર્ટમાં ૭૪ સાક્ષીઓને રજૂ કર્યા હતા. ન્યાયાધીશ પ્રદીપ કુમાર મિશ્રાએ પીડિત બાળકો માટે ૧૦-૧૦ લાખ રૂપિયાના વળતરની વિનંતી કરતો જિલ્લા મૅજિસ્ટ્રેટને પત્ર લખવાની પણ વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બન્નેએ આ અશ્લીલ વિડિયો ચીન, અમેરિકા, બ્રાઝિલ અને અફઘાનિસ્તાન સહિત ૪૭ દેશોમાં વેચ્યા હતા.