✕

સરકારે રેલવે-કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી

15 October, 2026 09:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગજન પેન્શન યોજનાઓમાંથી ઇન્દિરા ગાંધીનું નામ દૂર કરીને તેમને પ્રધાનમંત્રી પેન્શન યોજનાઓ તરીકે ઓળખાશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં ૧૧.૪૦ લાખ રેલવે-કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવાની મોટી જાહેરાત કરીને ભેટ આપી હતી. બુધવારે મળેલી કૅબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ કર્મચારીઓને વધુમાં વધુ ૧૭,૯૫૧ રૂપિયાનું બોનસ મળશે જેના પર કુલ ૨૦૦૯ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ બોનસનો લાભ મુખ્યત્વે ટ્રૅક મેઇન્ટેનર, લોકો પાઇલટ, ગાર્ડ, સ્ટેશન-માસ્ટર, સુપરવાઇઝર, ટેક્નિશ્યન, પૉઇન્ટ્સમૅન અને ગ્રુપ સીના અન્ય કર્મચારીઓને મળશે. 

૩ પેન્શન યોજનાઓમાંથી ઇન્દિરા ગાંધીના નામની બાદબાકી

કૅબિનેટે પાંચ સામાજિક સહાય યોજનાઓનાં નામ બદલવાનો પણ અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો જેમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નામવાળી ત્રણ પેન્શન યોજનાઓમાંથી તેમનું નામ હટાવીને એમાં પ્રધાનમંત્રી શબ્દ જોડવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ હવે પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના તરીકે ઓળખાશે. વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગજન પેન્શન યોજનાઓમાંથી ઇન્દિરા ગાંધીનું નામ દૂર કરીને તેમને પ્રધાનમંત્રી પેન્શન યોજનાઓ તરીકે ઓળખાશે. 

દિવ્યાંગોના પેન્શનના નિયમોમાં મોટા ફેરફાર

દિવ્યાંગોના પેન્શન નિયમોમાં પણ મોટો ફેરફાર કરાયો હતો જે મુજબ હવે ૧૮ વર્ષની ઉંમરને બદલે જન્મથી જ દિવ્યાંગ બાળકોને પેન્શનનો લાભ મળશે. આ માટે દિવ્યાંગતાની પાત્રતા-મર્યાદા પણ ૮૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા કરી દેવામાં આવી છે જેથી વધુ જરૂરિયાતમંદ લોકોને સીધો ફાયદો મળી શકે અને આગામી પાંચ વર્ષ માટે ૫૩,૪૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો છે.

railway budget indian government national news new delhi diwali