બજેટમાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે રજૂ કરેલા વિવિધ આંકડાઓ પર નજર નાખો

02 February, 2026 07:10 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બજેટમાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે રજૂ કરેલા વિવિધ આંકડાઓ પર નજર નાખો

ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને દહીં-સાકર ખવડાવીને બજેટ રજૂ કરવાની શુભેચ્છા આપી હતી.

વૈશ્વિક સ્તરે સતત બદલાઈ રહેલા અને પડકારરૂપ બની રહેલા વાતાવરણમાં ભારતને વૃદ્ધિના માર્ગ પર સ્થિર રીતે આગળ વધારવા માટેની રૂપરેખા બજેટમાં રજૂ કરવામાં આવી છે. નાણાપ્રધાને કહ્યું છે કે સરકારે નક્કી કરેલા સુધારણાના કાર્યક્રમોની એક્સપ્રેસ પોતાના માર્ગ પર ચાલી રહી છે અને દેશમાં દરેક પરિવાર, સમુદાય તથા ક્ષેત્રને પૂરતાં સંસાધનો અને તકો મળી રહે એ માટે સરકારનો સન્નિષ્ઠ પ્રયાસ હશે.

રાજકોષીય ખાધ

નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ માટેની નાણાકીય ખાધ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના એટલે કે GDPના ૪.૩ ટકા જેટલી હશે એવો અંદાજ રાખવામાં આવ્યો છે. દેશનો વિકાસ થતો રહે અને સાથે-સાથે રાજકોષીય સ્થિતિ પણ હચમચે નહીં એ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું નાણાપ્રધાને કહ્યું છે.

કૅપિટલ એક્સપેન્ડિચર

નાણાપ્રધાને આગામી નાણાકીય વર્ષ માટે મૂડીગત ખર્ચનો લક્ષ્યાંક ૧૨.૨ લાખ કરોડ રૂપિયા રાખ્યો છે, જે વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૧.૨ લાખ કરોડ રૂપિયા હતો. નરેન્દ્ર મોદીની પ્રથમ વખતની સરકાર આવી એ વખતે આ ખર્ચનું પ્રમાણ માત્ર બે લાખ કરોડ રૂપિયાની આસપાસ હતું. આ ખર્ચને કારણે રોજગાર નિર્માણ થશે તથા ખાનગી ક્ષેત્રનો વિશ્વાસ વધશે. સાથે-સાથે દેશનો વૃદ્ધિદર પણ વધશે. નાણાપ્રધાને કહ્યા મુજબ ખાસ કરીને દ્વિતીય અને તૃતીય સ્તરનાં શહેરોમાં જ્યાં પાંચ લાખ કરતાં વધારે વસ્તી છે ત્યાં દેશની વૃદ્ધિને પોષનારાં કેન્દ્રો બની રહ્યાં છે. આ શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે, જેને માટે મૂડીગત ખર્ચ જરૂરી છે.

સરકારી કરજ

નોંધનીય છે કે સરકારે કરજનો બોજ વધે નહીં એ બાબતનું પણ ધ્યાન રાખ્યું છે. વર્તમાન વર્ષમાં સરકારી કરજનું પ્રમાણ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના ૫૬.૧ ટકા જેટલું હતું જે આવતા વર્ષે ઘટાડીને ૫૫.૬ ટકા રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. અગાઉના બજેટમાં નાણાપ્રધાન કહી ચૂક્યા છે કે વર્ષ ૨૦૨૬-’૨૭થી શરૂ કરીને કરજનું પ્રમાણ સતત ઘટાડવાનો સરકારનો ઇરાદો છે.

સરકારે આગામી નાણાકીય વર્ષમાં સરકારી જામીનગીરી મારફત ૧૧.૭ લાખ કરોડ રૂપિયા લેવાનું નક્કી કર્યું છે. આ નાણાંનો ઉપયોગ રાજકોષીય ખાધ પૂરી કરવા માટે થશે.

કરવેરાની કુલ આવક

સરકારના અંદાજ મુજબ આવતા વર્ષે કરવેરા મારફત કુલ ૪૪.૦૪ લાખ કરોડ રૂપિયાની આવક થશે. વર્તમાન વર્ષે એનું પ્રમાણ ૪૨.૭૦ લાખ કરોડ રૂપિયા છે.

GSTની આવક

૩૧ માર્ચે પૂરા થનારા નાણાકીય વર્ષમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ની આવક વાર્ષિક ધોરણે ૧૧ ટકા વધીને ૧૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

ફુગાવો

અત્યારે સમગ્ર વિશ્વમાં ફુગાવો બહુ મોટી સમસ્યા અને પડકાર છે. ભારતમાં ગયા એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં કન્ઝ્‍યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે રોજબરોજના જીવનમાં સામાન્ય જનતાને લાગુ પડતો ફુગાવાનો દર ૧.૭ ટકા જેટલો રહ્યો છે. એનું કારણ છે કે દેશમાં ખાદ્યન્નના અને ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. આવતા નાણાકીય વર્ષમાં ફુગાવો રિઝર્વ બૅન્કે નક્કી કરેલા ૪ ટકાના મહત્તમ દરની અંદર રાખવામાં આવશે.

બજેટ-સ્પીચમાં ૧૧ વખત AI શબ્દનો ઉલ્લેખ

કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના સંબોધનમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ૧૧ વખત ઉલ્લેખ કર્યો હતો. ઇતિહાસમાં કોઈ પણ કેન્દ્રીય બજેટના ભાષણમાં આ શબ્દ સૌથી વધુ વખત દેખાયો છે. ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૮માં કેન્દ્રીય બજેટના ભાષણમાં સૌપ્રથમ AI શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 લૉન્ચ કરવાની જાહેરાત

નિર્મલા સીતારમણે ટેક્નૉલૉજી ક્ષેત્રે મહત્ત્વની જાહેરાત કરી છે. ચીન અને તાઇવાન વચ્ચે વધી રહેલા તનાવને ધ્યાનમાં રાખીને ભારત હવે ચિપ (સેમિકન્ડક્ટર) બનાવવાની બાબતમાં સ્વાવલંબી બનવા માગે છે.

મુખ્ય મુદ્દાઓ:

નવું મિશન: સરકારે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.

મોટું રોકાણ: આ મિશન માટે સરકારે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

શા માટે જરૂરી છે: આજે મોબાઇલ, લૅપટૉપ, કાર, ટીવી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે આવશ્યક ઉપકરણો જેવી દરેક વસ્તુમાં ચિપની જરૂર પડે છે. જો ભારત પોતે આ ચિપ બનાવશે તો વિદેશો પરની નિર્ભરતા ઘટશે અને દેશ આર્થિક રીતે મજબૂત બનશે.

બીજો તબક્કો:મિશનના પહેલા તબક્કામાં પાયાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે આ બીજા તબક્કા દ્વારા કામની ઝડપ વધારવામાં આવશે.

આ પગલાથી ભવિષ્યમાં ભારત ચિપ મૅન્યુફૅક્ચરિંગમાં દુનિયાનું મોટું હબ બની શકે છે.

national news india union budget finance news finance ministry nirmala sitharaman indian economy indian government